Thu Sep 03 2026

Logo

નોટોના પહાડ નીચે દટાયા કલાકાર! શ્રીમદ્ ભાગવત કથામાં ઉડી નોટોની ‘થપ્પીઓ’, જુઓ VIDEO

2026-05-15 22:32:00
Author: Devayat Khatana
નોટોના પહાડ નીચે દટાયા કલાકાર! શ્રીમદ્ ભાગવત કથામાં ઉડી નોટોની ‘થપ્પીઓ’, જુઓ VIDEO

માળીયા હાટીના: જૂનાગઢ જિલ્લાના ખંભાળિયા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન યોજાયેલા લોક ડાયરામાં ભક્તિ અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રખ્યાત લોક કલાકાર ગોપાલ સાધુ જ્યારે પોતાના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે શ્રોતાઓ એટલા મંત્રમુગ્ધ બન્યા હતા કે તેમણે કલાકાર પર રૂપિયા 10 થી લઈને 500 સુધીની ચલણી નોટોનો ભારે વરસાદ કર્યો હતો. સ્થિતિ એવી સર્જાઈ હતી કે થોડી જ વારમાં ગોપાલ સાધુ સ્ટેજ પર નોટોના ઢગલા નીચે દટાયેલા જોવા મળ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ એક ઉમદા સામાજિક હેતુ માટે યોજવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કાર્યક્રમનો ખર્ચ કાઢ્યા બાદ જે પણ રકમ અને દાન બચશે, તે તમામ રકમ 'અહીર ચેરિટેબલ ટ્રસ્ટ'ને અર્પણ કરવામાં આવશે. આ ડાયરામાંથી એકત્ર થયેલી લાખો રૂપિયાની આવકનો ઉપયોગ ગુજરાતમાં અહીર કન્યા છાત્રાલય અને અમદાવાદમાં એક શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે કરવામાં આવશે. આમ, લોકસંગીતની આ મહેફિલ સામાજિક ઉત્થાનનું નિમિત્ત બની છે.

પોતાના સ્વર ગાયન અને 90ના દાયકાના હિન્દી ગીતોને લોકશૈલીમાં રજૂ કરવા માટે જાણીતા ગોપાલ સાધુ આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર બની ચૂક્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને યુટ્યુબ પર વિશાળ ફેન ફોલોઈંગ ધરાવતા આ કલાકારના ડાયરામાં ઉમટેલી જનમેદનીએ ઉદાર હાથે દાન આપ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક અહેવાલોમાં આ ગાયકની ઓળખ દેવાયત ખાવડ તરીકે પણ દર્શાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં આ ગુંજ ગોપાલ સાધુના સૂરોની હતી, જેમણે ભક્તિમય વાતાવરણને સામાજિક સેવા સાથે જોડી દીધું હતું.