Sun Sep 13 2026

Logo

ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે સીઝફાયર વધુ 45 દિવસ માટે લંબાવાયું, વોશિંગ્ટનમાં થઈ મહત્વપૂર્ણ ડીલ

Washington DC   2026-05-16 10:16:00
Author: Vimal Prajapati
ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે સીઝફાયર વધુ 45 દિવસ માટે લંબાવાયું, વોશિંગ્ટનમાં થઈ મહત્વપૂર્ણ ડીલ

વોશિંગ્ટન ડીસી: મધ્યપૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલો સીઝફાયર (યુદ્ધવિરામ) વધુ 45 દિવસ માટે લંબાવવા પર સહમતિ જાહેર કરવામાં આવી છે. આ અંગે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોએ આ મોટો નિર્ણય લીધો છે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે આ સીઝફાયર લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

બે દિવસની લાંબી ચર્ચા બાદ સફળતા મળી

નોંધનીય છે કે, ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી રવિવારે સમાપ્ત થવાનો હતો, પરંતુ તે પહેલા જ બંને પક્ષોએ તેને વધુ 45 દિવસ સુધી ચાલુ રાખવા માટે લીલી ઝંડી આપી દીધી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી સાર્થક અને હકારાત્મક વાતચીત બાદ આ સફળતા મળી છે. આ અંતર્ગત હવે આગામી 2 અને 3 જૂન, 2026 ના રોજ ફરી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.

શું આ બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થપાશે?

ઇઝરાયેલ અને લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે થયેલી આ અસ્થાયી શાંતિ સંધિ રવિવારે સમાપ્ત થઈ રહી હતી, જેના કારણે ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય હતો. આ ચર્ચાઓ બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપશે. આ સાથે જ એકબીજાની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતાની પૂર્ણ માન્યતા અને તેમની સહિયારી સરહદ પર વાસ્તવિક સુરક્ષા વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે તેવું અમેરિકા માની રહ્યું છે. 

ઈરાનને લઈને તણાવ યથાવત: ટ્રમ્પનું મોટું નિવેદન

એક તરફ ઇઝરાયેલ અને લેબેનોન સરહદે શાંતિના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. જોકે, આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે પાકિસ્તાન પ્રત્યે સદ્ભાવના દર્શાવવા માટે ઈરાન સાથે સીઝફાયર પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે હાલ પૂરતી ઈરાન પર કોઈપણ પ્રકારની વધારાની બોમ્બમારો કે સૈન્ય કાર્યવાહી કરવાની ના પાડી દીધી છે.