Sat May 16 2026

Logo

ભારત પાસે હશે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ, UAE સાથે PM મોદીની ઐતિહાસિક ડીલ

2026-05-16 11:27:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અબુ ધાબી પ્રવાસ દરમિયાન ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઉર્જા ક્ષેત્રે મોટો સોદો થયો છે. બંને દેશો ભારતના 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' માં UAEના ક્રૂડ ઓઇલના સંગ્રહને વધારવા પર સહમત થયા છે. આ કરાર હેઠળ, UAE હવે ભારતના સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વમાં 30 મિલિયન એટલે કે 3 કરોડ બેરલ સુધી ક્રૂડ ઓઇલ સ્ટોર કરી શકશે.

આ નિર્ણય વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે થયેલી ચર્ચા બાદ સામે આવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ' (ISPRL) અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની એટલે કે 'ADNOC' વચ્ચે વ્યૂહાત્મક સ્ટ્રેટેજિક કરાર થયો છે. આ કરાર દ્વારા ભારતના પેટ્રોલિયમ રિઝર્વમાં UAE ની ભાગીદારી વધારીને 3 કરોડ (30 મિલિયન) બેરલ સુધી લઈ જવામાં આવશે.

સમુદ્રમાં જહાજોની અવરજવર કોઈ પણ અડચણ વગર થાય!
આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં તણાવ વધેલો છે અને વૈશ્વિક તેલ પુરવઠા (સપ્લાય) ને લઈને ચિંતા બનેલી છે. ખાસ કરીને 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માં ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરમાં ઉર્જા સુરક્ષા એક મોટો મુદ્દો બની ગઈ છે. આ જ કારણોસર, ભારત અને UAE બંનેએ સુરક્ષિત સમુદ્રી વેપાર માર્ગો અને કોઈ પણ અવરોધ વગર જહાજોની અવરજવર થાય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે.

બંને નેતાઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાની અવરજવર (નેવિગેશન) વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત જરૂરી છે. ભારતે UAE પર થયેલા તાજેતરના હુમલાઓની પણ આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને તેની સાથે એકજૂટતા દર્શાવી હતી.

LNG, LPG અને ક્રૂડ ઓઇલના સપ્લાય પર ડીલ

ઊર્જા ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે બંને દેશોએ ભારતમાં 'સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ' (વ્યૂહાત્મક ગેસ ભંડાર) બનાવવા પર પણ સાથે મળીને કામ કરવાની વાત કરી છે. આ સિવાય, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ADNOC વચ્ચે લાંબા ગાળાના (લોંગ-ટર્મ) LPG પુરવઠાને લઈને પણ એક નવો કરાર થયો છે.

વિદેશ મંત્રાલયે UAEને ભારતની ઊર્જા સુરક્ષાનું "મહત્વપૂર્ણ ભાગીદાર" ગણાવ્યું છે. બંને દેશોએ LNG, LPG અને ક્રૂડ ઓઇલના પુરવઠાને લઈને ઊર્જા સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી છે.

ઊર્જા ક્ષેત્ર ઉપરાંત આ પ્રવાસ દરમિયાન UAE તરફથી ભારતમાં 5 અબજ ડોલરના રોકાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આ રોકાણ બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાની સુવિધાઓ) અને ફાઇનાન્સ સેક્ટરમાં કરવામાં આવશે. આ સાથે જ સંરક્ષણ (ડિફેન્સ), સમુદ્રી સહયોગ, શિપબિલ્ડિંગ (જહાજ નિર્માણ) અને એડવાન્સ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં પણ ઘણા કરારો થયા છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ ડીલ (સોદો) ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત કરશે અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતને તેલ પુરવઠા (સપ્લાય) બાબતે એક વધારાનું સુરક્ષા કવચ પૂરું પાડશે.