અમદાવાદ-નવી દિલ્હીઃ હવામાન વિભાગ પ્રમાણે વાતાવરણમાં ફરી એક વખત પલટો આવશે. 10 રાડ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, આ દરમિયાન 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં છે ત્યારે આસામમાં 23 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
ગુજરાતમાં વધશે ઉકળાટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઉકળાટ અને બફારામાં વધારો થશે, જેથી લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.
દેશના અન્ય રાજયમાં કેવું રહેશે હવામાન
દિલ્હી-એનસઆરમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે આગામી ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાં 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મધ્ય પ્રદેશનમાં આંધી-તોફાન જોવા મળશે. અનેક જિલ્લામાં ભીષણ ગરમી પડી શકે છે.
રાજસ્થાનના અનેક ભાગમાં આગામી 24 કલાકમાં આંધી અને છૂટાછવાયા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જોકે રાજ્યના અનેક વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં વરસાદ-આંધીની ચેતવણી છે. આ દરમિયાન 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બિહારમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી ફૂંકાઈ શકે છે. ઝારખંડમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદની આગાહી છે. ઉત્તરાખંડમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હિમાચલ પ્રદેસમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ છે. પંજાબમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મેના રોજ કેરળમાં સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થાય છે, જે ત્યારપછી ઉત્તર તરફ આગળ વધતા દેશના બાકીના ભાગોમાં પહોંચે છે. આ સાથે જ દેશમાં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર)ની શરૂઆત માનવામાં આવે છે. ગયા વર્ષે ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી. જો કે, હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું ચાર દિવસ વહેલું કે ચાર દિવસ મોડું પણ પહોંચી શકે છે.