Sat May 16 2026

Logo

ચાંદખેડા ઢોસા ખીરા કેસઃ હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, માતા-પિતાને થઈ શકે છે લાઈ ડિટેક્શન ટેસ્ટ

2026-05-16 11:14:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ગત મહિને ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિએ સ્થાનિક ડેરીમાંથી ઢોસા બનાવવાનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જેમાં દંપતીની બે પુત્રીઓના મોત થયા હતા. જ્યારે પતિ-પત્ની હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ દંપતીની પૂછપરછ કરવામાં આવી હતી.તેમજ FSL રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતાં મામલો વધુ પેચીદો થયો હતો.

આ કેસમાં જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે મોટી દીકરીનો હિસ્ટોપેથોલોજી રિપોર્ટ ચાંદખેડા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એક દુર્લભ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થયેલા સેપ્ટિસેમિયાને લીધે બાળકીનું મોત નીપજ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે લેબોરેટરી તપાસમાં એસિનેટોબેક્ટર બૌમાની નામના બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ એક અત્યંત જોખમી બેક્ટેરિયા છે જે ગંભીર સંક્રમણ અને લોહીમાં ઝેર ફેલાવવા માટે જાણીતા છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે હોસ્પિટલના વાતાવરણમાં અને માટીમાં પણ જોવા મળે છે. દૂષિત ખોરાક કે પાણીથી પણ  ઇન્ફેક્શન થઈ શકે છે. જ્યારે આ બેક્ટેરિયા લોહીમાં ભળે છે ત્યારે તે સેપ્ટિસેમિયા તરફ દોરી જાય છે. આ કિસ્સામાં ઇન્ફેક્શનના કારણે થયેલા સેપ્ટિસેમિયાથી જ બાળકીનું મોત થયું હતું.

 સૂત્રો જણાવ્યું કે, પેનલ પોસ્ટમોર્ટમ કે એફએસએલના રિપોર્ટમાં બંને બાળકોના શરીરમાંથી કોઈ ઝેરી પદાર્થ મળ્યો ન હતો. આથી જ મોટી બાળકીનો હિસ્ટોપેથોલોજી રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો. તપાસકર્તાઓએ બાળકીઓના માતા-પિતા, દાદા-દાદી અને સંબંધીઓના નિવેદનો નોંધી લીધા છે, પરંતુ તેઓ સ્વીકારે છે કે હજુ સુધી કોઈ નક્કર નિષ્કર્ષ સામે આવ્યો નથી. સૂત્રો મુજબ પોલીસ હવે માતા-પિતાનો લાઈ-ડિટેક્શન  ટેસ્ટ કરાવવા પર વિચાર કરી શકે છે.

એસિનેટોબેક્ટર બૌમાની શું છે?
ડૉક્ટરો એસિનેટોબેક્ટર બૌમાનીને અત્યંત જોખમી બેક્ટેરિયા તરીકે વર્ણવે છે. જે સામાન્ય રીતે હોસ્પિટલો, ખાસ કરીને આઈસીયુ, વેન્ટિલેટર અને કેથેટર સાથે જોડાયેલા દર્દીઓમાં જોવા મળે છે. આ જીવાણુ ઘણી સામાન્ય એન્ટિબાયોટિક્સની તેના પર અસર ન થવા માટે જાણીતા છે. ડૉક્ટરોનું કહેવું છે કે આની સારવાર માટે ટાર્ગેટેડ એન્ટિબાયોટિક્સ, ઇન્ટેન્સિવ કેર સપોર્ટ અને ગંભીર કિસ્સાઓમાં વેન્ટિલેટરની જરૂર પડે છે.

કયા અંગોને સંક્રમિત કરી શકે છે

ફેફસાં

* લોહીનો પ્રવાહ
* સર્જરીના ઘા
* મૂત્ર માર્ગ 

જ્યારે આ બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશે છે અને આખા શરીરમાં ફેલાઈ જાય છે, ત્યારે તે સેપ્ટિસેમિયા અથવા સેપ્સિસ નું કારણ બની શકે છે.

સામાન્ય લક્ષણો:

* તીવ્ર તાવ આવવો
* શ્વાસ લેવામાં તકલીફ થવી
* બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) ઘટી જવું
* મૂંઝવણ અનુભવવી અથવા બેભાન થઈ જવું
* પેશાબનું પ્રમાણ ઘટી જવું