અમદાવાદઃ શહેરમાં અકસ્માતની એક ચોંકાવની ઘટના પ્રકાશમાં આવી છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય વિદ્યાર્થિનીનું સરખેજ-ધોળકા રોડ પર અકસ્માતે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે નવી ફતેવાડી આઝાદનગર બસ સ્ટોપ પાસે એક બેકાબૂ ડમ્પરે એક્ટિવાને જોરદાર અડફેટ મારી હતી. જેના કારણે 20 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ મામલે અમદાવાદ ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અકસ્માત સર્જી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર
અકસ્માત સર્જીને ડમ્પર ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો નોંધીને ગુનો દાખલ કર્યો અને ડમ્પરના ડ્રાઈવરની શોધ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, સરખેજ વિસ્તારમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીની એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે યુવતી એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે ત્યાં જ તેનું મોત થઈ હતું.
આ અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અત્યારે આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ડમ્પરે છેલ્લા 5 જ મહિનામાં 7 લોકો ભોગ લીધો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેરમાં કાળમુખા ડમ્પરે છેલ્લા 5 જ મહિનામાં 7 લોકોનો આવી રીતે ભોગ લીધો છે. આખરે શા માટે આવા ડમ્પરો સામે કોઈ કડક કાર્યાવાહી કરવામાં નથી આવતી? આ મામલે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપેલો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આવા ડમ્પરોને શહેરની અંદર પ્રવેશ ના આપવો જોઈએ, અને જો પ્રવેશ આપવામાં આવે છે તો તેની સ્પીડ લીમીટ હોવી જોઈએ. ડમ્પર ચાલકો બેફામ થઈને ડ્રાઈવિંગ કરતા હોય છે, જેનો ભાગ સામાન્ય લોકો બનતા હોય છે. છેલ્લા પાંચ જ મહિનામાં સાત લોકોનો ભાગ લીધો છે.