સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક હોટલમાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ઉત્રાણ પોલીસે દરોડા દરમિયાન બે વિદેશી યુવતીઓને રેસ્ક્યૂ કરી હતી અને હોટલ સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ પર અંકુશ લગાવવાના અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી.
મોટા વરાછા સ્થિત તુલસી આર્કેડની હોટલ સિટી પેલેસમાં લાંબા સમયથી દેહ વ્યાપાર થઈ રહ્યો હોવાનીઉત્રાણ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલમાં વિદેશી યુવતીઓને બોલાવીને ગ્રાહકોને શરીરસુખ માણવાની સુવિધા આપવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી મુખ્ય સંચાલક જેડી દિલીપ કેવડિયા, દીક્ષિત ગોહિલ અને કૌશિક મકવાણાની ધરપકડ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ ગ્રાહક તરીકે આવેલા વિઝા કન્સલટન્ટ નિકુલ સુતરીયા અને ટેક્સટાઈલ વેપારી રોહિત મેંદપરાની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન મોબાઈલ ફોન, કેશ સહિત કુલ 1.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રેસ્ક્યૂ કરવામાં આવેલી બંને વિદેશી યુવતીઓને સુરક્ષિત સ્થાને મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી જોનીલ ઉર્ફે જેડી એક રીઢો (આદતવાળો) ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ સુરતના કાપોદ્રા, સરથાણા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનોમાં દેહ વ્યાપાર (વેશ્યાવૃત્તિ) સાથે જોડાયેલા કેટલાય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અવારનવાર જેલ જવા છતાં અને પોલીસ કાર્યવાહી થઈ હોવા છતાં, તેણે ફરીથી આ જ ગેરકાયદેસર કાળો કારોબાર શરૂ કરી દીધો હતો.
ઉત્રાણ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી લીધો છે અને રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ માટે તપાસ તેજ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કના તાર અન્ય સ્થળો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, જેની તપાસ ચાલુ છે.
પોલીસ કમિશનરના નિર્દેશ પર કાર્યવાહી
સુરત પોલીસના ડીસીપી (ઝોન-5) લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ પર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનૈતિક વ્યાપાર પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ જ નિર્દેશોના આધારે ઉત્રાણ પોલીસ સક્રિયપણે કામ કરી રહી હતી અને બાતમી મળતાં જ 'સિટી પેલેસ' હોટેલ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અનૈતિક પ્રવૃત્તિઓની પુષ્ટિ થતાં જ આરોપીઓ સામે ઇમ્મોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.