ભુજઃ મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સવર્લ્ડ સીએફએસમાંથી અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડતાં દેશની ટોચની સુરક્ષા અને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો અગાઉના અંદાજ કરતાં ઘણો મોટો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.
અલબત્ત હજુ સુધી કોઈ સત્તાવાર અખબારી યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ સાથે જોડાયેલા વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ અંદાજવામાં આવેલો ૧૪૦ કિલોનો ડ્રગ્સનો જથ્થો વાસ્તવમાં આશરે ૨૦૭ કિલોગ્રામ હોવાનું ખૂલ્યું છે અને આ ડ્રગ્સ સામાન્ય નહીં પરંતુ 'કેપ્ટાગોન' પ્રકારનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કન્ટેનરમાંથી ૯-૯ કિલોના એવા કુલ ૨૩ પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત રૂા. ૧૫૫ કરોડ જેટલી થવા જાય છે.
તપાસ દરમિયાન આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેનો આખો રૂટ સામે આવ્યો છે. આ કન્ટેનર સીરિયાના લટાકિયા પોર્ટથી રવાના થઈને ગત તા. ૮ મેના રોજ મુન્દ્રા પોર્ટના એમઆઈસીટી ટર્મિનલ પર ઉતર્યું હતું. ત્યારબાદ તા. ૯ મેના રોજ તેને ટ્રાન્સવર્લ્ડ સીએફએસ વિસ્તારમાં ખસેડવામાં આવ્યું હતું. જે સ્થાનિક આયાતકારની અટકાયત કરવામાં આવી હતી, તેની પૂછપરછમાં નવો વળાંક આવ્યો છે. પકડાયેલા શખ્સે કેફિયત આપી છે કે આ આખી લિંક પાછળ દિલ્હી અથવા બહારની કોઈ મોટી કંપની સંડોવાયેલી છે અને પોતે માત્ર મધ્યસ્થી તરીકે કામ કરતો હતો.
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કના તાર સીરિયા અને રાજધાની દિલ્હી સાથે જોડાયેલા હોવાથી મામલો અત્યંત ગંભીર બન્યો છે. આ કેસની તપાસમાં હવે માત્ર એનસીબી જ નહીં, પરંતુ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી,ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સહિતની રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ પણ તપાસમાં સામેલ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)