Sun Sep 06 2026

Logo

અમદાવાદ-સુરત બસો હવે એક્સપ્રેસ વે પર દોડતાં દોઢ કલાક ઓછો લાગશે, ભાડામાં પણ ઘટાડો

2026-05-16 10:54:00
Author: Mayur Patel
અમદાવાદ-સુરત બસો હવે એક્સપ્રેસ વે પર દોડતાં દોઢ કલાક ઓછો લાગશે, ભાડામાં પણ ઘટાડો

અમદાવાદઃ અમદાવાદ-સુરત વચ્ચે બસમાં મુસાફરી કરતાં પેસેન્જર્સ માટે કામના સમાચાર છે. અમદાવાદ-સુરત બસો હવે એક્સપ્રેસ વે પર દોડતાં દોઢ કલાક ઓછો લાગશે અને ભાડામાં પણ ઘટાડો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વચ્ચે ગુજરાત એસ.ટી. નિગમે મુસાફરોને ભાડામાં ઘટાડો અને સમયની બચતની બેવડી ભેટ આપી હતી. 

કેટલા મુસાફરોને થશે લાભ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસ ટી નિગમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી અંતર ઘટતા મુસાફરોને સીધો ફાયદો થશે. અમદાવાદ-સુરતની એસટી બસો નવા એક્સપ્રેસ વે પર દોડતા મુસાફરી સમયમાં 60 મિનિટથી લઈ 90 મિનિટ સુધીની બચત થશે. અમદાવાદ-સુરત રૂટ પર દરરોજ સરેરાશ 12 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેમનો સીધો જ આ લાભ થશે.

અત્યાર સુધી ભરૂચ-અંકલેશ્વરનો ટ્રાફિક જામ વોલ્વોના સમયપાલનને ખોરવતો હતો. એક્સપ્રેસ-વે બસો દોડતા સુરત રૂટ પર 6 કલાકની મુસાફરી ઘટીને 4થી 4.5 કલાક થશે. અમદાવાદથી સુરતનું વોલ્વો ભાડું 748 રૂપિયાથી ઘટાડીને 687 રૂપિયા કરાયું છે, જેનાથી મુસાફરોને 61 રૂપિયાની રાહત મળશે. તેમજ મુસાફરીનો દોઢ કલાક જેટલો સમય બચશે.