જામનગરઃ નીટ પેપર લીક કાંડમાંથી હજુ તંત્ર બહાર આવ્યું નથી, ત્યાં ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાના અહેવાલ છે જેને લઈ સમગ્ર સિસ્ટમની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળ લેવાયેલી બી. એ. એમએસ. તૃતીય વર્ષના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા અગાઉ, તા. 20 જુલાઈ પહેલાં જ પ્રશ્નપત્ર વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા માધ્યમોમાં ફરતું હોવાના આક્ષેપ સાથે યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. જામનગર દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નિષ્પક્ષ તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે.
મળતી વિગત પ્રમાણે પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવેલા 12માંથી 11 સવાલ વાયરલ પેપરમાં મળ્યા હતા. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. 20 જુલાઈના રોજ યુનિવર્સિટી તરફથી સ્ક્વોડની જવાબદારી આપવામાં આવ્યા બાદ બપોરે કોલેજમાં તપાસ માટે ગયા ત્યારે ત્યાંના એક ફેકલ્ટીએ ધ્યાન દોર્યું કે પરીક્ષાના પ્રશ્નોની કેટલીક વિગતો વોટ્સએપ પર વાયરલ થઈ હોવાનું ધ્યાન દોર્યું હતું. જે બાદ તરત જ તે પ્રશ્નોને વેરિફાય કરવામાં આવ્યા હતા તેમ જ યુનિવર્સિટીની એક્ઝામિનેશન ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે આને અમારા તરફથી વેરિફાય કરવાનું છે. પ્રથમ નજરે એવું લાગે છે કે ક્વેશ્ચન પેપરમાં આપવામાં આવેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો વાયરલ થયેલા પ્રશ્નોમાંથી જ પૂછવામાં આવ્યા હતા. જોકે, આ અંગે વધુ વિસ્તૃત અને ટેકનિકલ માહિતી સબ્જેક્ટ એક્સપર્ટની સાથે-સાથે યુનિવર્સિટી પણ આપશે.
પરીક્ષાના પ્રશ્નપત્ર વિશે પૂછવામાં આવતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઈનચાર્જ એક્ઝામિનેશન ડાયરેક્ટર એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, શલ્ય તંત્રના વિષયની 26 કોલેજોમાં 1200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આખી ઘટનાની તપાસ ચાલી રહી છે. પરીક્ષા પૂરી થયા પછી આ બાબત અમારા ધ્યાને આવી છે. જો પેપર લીકના તથ્યો મળશે તો અમે આગળની કાર્યવાહી કરીશું.
આ ઉપરાંત એચ.પી. ઝાલાએ જણાવ્યું કે 20 જુલાઈની સવારે યોજાયેલી 'શલ્ય તંત્ર-1'ની પરીક્ષા નિયત સમયે પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ સાંજે મોબાઈલ પર માહિતી મળી કે પરીક્ષા પહેલા કેટલીક જરૂરી બાબતો વોટ્સએપ પર ફરી રહી છે. આ માહિતી મળતા જ યુનિવર્સિટી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. વાઇસ ચાન્સલર સાથે વાતચીત કર્યા બાદ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ કમિટી વાયરલ મેસેજ, પ્રશ્નપત્ર અને બાકીના તમામ તથ્યોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે.
યુનિવર્સિટી દ્વારા ગઠિત વિશેષ સમિતિ વાયરલ મેસેજ, પ્રશ્નપત્ર, પરીક્ષા સંબંધિત અન્ય દસ્તાવેજો તથા તમામ સંબંધિત પાસાઓની વિગતવાર તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ યુનિવર્સિટી પ્રશાસનને સોંપશે.
એચ.પી. ઝાલા (પ્રભારી પરીક્ષા નિયામક, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી)એ આ મામલે જણાવ્યું કે, હાલમાં કોઈ પણ પ્રકારનું અંતિમ તારણ કાઢવામાં આવ્યું નથી. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિની સંડોવણી, નિયમોનું ઉલ્લંઘન કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે, તો યુનિવર્સિટીના નિયમો અનુસાર જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં યુનિવર્સિટી સંલગ્ન લગભગ 20થી 25 કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ છે અને તેમના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
યુનિવર્સિટીમાં કોંગ્રેસ-એનએસયુઆઈની રજૂઆત
શલ્ય તંત્ર-1નું પ્રશ્નપત્ર વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા માધ્યમોમાં ફરતું હોવાના આક્ષેપ સાથે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. જામનગર દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું છે કે પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર ફરતું હોવાથી સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે ગંભીર શંકા ઉભી થઈ છે.
આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરી, જો પ્રશ્નપત્ર લીક થયું હોવાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ જ વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
યુવા કોંગ્રેસ અને એન. એસ. યુ. આઈ.ના આગેવાનોએ જણાવ્યું હતું કે પરીક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે અને તેમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સંગઠનના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આ મામલે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.
NEET વિવાદ બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પરીક્ષા પહેલા મહત્વના પ્રશ્નો વાયરલ થવાની આશંકાએ ફરી એકવાર રાજ્યની પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. હાલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર શિક્ષણ જગતની નજર યુનિવર્સિટીની તપાસ સમિતિના રિપોર્ટ પર ટકેલી છે.