Sun Sep 13 2026

Logo

ગુજરાત સરકાર ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાના પાણી અને પૂરતા ઘાસચારા માટે કટિબદ્ધ

2026-09-02 20:01:48
Author: Chandrakant Kanoja
ગુજરાત સરકાર ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાના પાણી અને પૂરતા ઘાસચારા માટે કટિબદ્ધ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી  હર્ષ સંઘવીએ  જણાવ્યું હતું કે  કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે તમામ વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે. આ જિલ્લાઓની સ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રીઓને વિશેષ સૂચના આપવામાં આવી છે. 

ગુજરાતનો જીએસટી ગ્રોથ  રેટ 28 ટકાએ પહોંચ્યો 

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં આર્થિક પડકારો હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8  ટકા રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. ગુજરાતમાં જીએસટી સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગયા મહિને ગુજરાતનો જીએસટી ગ્રોથ રેટ 20 ટકા હતો. જે આ મહિને વધીને 28  ટકાએ પહોંચ્યો છે. 

ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધ્યું

તેમણે ગુજરાતના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં થયેલા અભૂતપૂર્વ વધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,  કેબિનેટ બેઠકમાં રાજ્યના બંદરોની સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું છે કે માત્ર એક જ પોર્ટ દ્વારા 50  મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો છે, જે સવા ગણો વધારો દર્શાવે છે. બંદરો પર કાર્ગો હેન્ડલિંગના વધેલા આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધ્યું છે અને રાજ્યમાંથી નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે.