Sat Sep 05 2026

Logo

‘ગીરનું દ્વારકા’ ગણાતા તુલસીશ્યામમાં જન્માષ્ટમીનો મહાપર્વ, ઈતિહાસમાં પહેલીવાર ખુલ્લા પરદે થશે કાળિયા ઠાકરનો મહાઅભિષેક

2026-09-02 18:51:47
Author: Mumbai Samachar Team
‘ગીરનું દ્વારકા’ ગણાતા તુલસીશ્યામમાં જન્માષ્ટમીનો મહાપર્વ, ઈતિહાસમાં પહેલીવાર ખુલ્લા પરદે થશે કાળિયા ઠાકરનો મહાઅભિષેક

ગીર સોમનાથ: ગીરના જંગલો વચ્ચે આવેલા ઐતિહાસિક તીર્થધામ તુલસીશ્યામ ખાતે આ વર્ષે જન્માષ્ટમી પર્વ અત્યંત ભક્તિમય અને દિવ્ય માહોલમાં ઉજવવામાં આવશે. આગામી 4 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન દિવસે ભગવાન સુંદરશ્યામના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડશે. તહેવારોને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

પહેલી વખત ભગવાન શ્યામનો ખુલ્લા પરદે થશે મહાઅભિષેક 

આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ ભગવાન શ્યામનો ખુલ્લા પરદે થનારો મહાઅભિષેક રહેશે. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રભુ શ્યામને વિવિધ પવિત્ર દ્રવ્યો અને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવતી વેળાએ પરદો રાખવામાં નહીં આવે. દરબારમાં હાજર તમામ ભક્તો કાળિયા ઠાકરના આ દિવ્ય અને પવિત્ર સ્નાનરૂપના સાક્ષી બની શકશે.

જન્માષ્ટમીના દિવસે પ્રભુ ધારણ કરશે રાજવી વસ્ત્રો

જન્માષ્ટમીના દિવસે પ્રભુ શ્યામને ખાસ તૈયાર કરાયેલા રાજવી વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે. રાજાધિરાજ સ્વરૂપે ભગવાન સોનાના મુગટ અને કુંડળથી સુશોભિત થઈ ભક્તોને દર્શન આપશે. ગર્ભગૃહને સુગંધીદાર તાજા પુષ્પોથી સજાવાશે, જ્યારે સમગ્ર મંદિર પરિસર અને પ્રાકૃતિક ગરમ પાણીના કુંડ વિસ્તારને અદ્ભુત લાઈટિંગથી ઝળહળતો કરી દેવામાં આવ્યો છે.

1 લાખથી વધુ યાત્રિકો માટે ભોજન અને પાર્કિંગની વ્યવસ્થા

રાત્રે 12 વાગ્યે શંખનાદ, ઝાલરના રણકાર અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નારા સાથે પ્રભુના જન્મના વધામણાં કરવામાં આવશે. ‘ગીરનું દ્વારકા’ ગણાતા તુલસીશ્યામ ખાતે સાતમ-આઠમ દરમિયાન 1 લાખથી વધુ યાત્રિકો આવે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી પીવાના શુદ્ધ પાણી અને છાંયડાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તમામ દર્શનાર્થીઓ માટે સતત ભોજન-મહાપ્રસાદની સુવિધા ઉપલબ્ધ રહેશે અને વાહનોના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અલગથી વિશાળ પાર્કિંગ ઝોન તૈયાર કરાયો છે. આ સાથે મંદિર ટ્રસ્ટગણ ખાસ ઉપસ્થિત રહી યાત્રિકોની સેવા-સુવિધાઓ અને તમામ આયોજન પર સતત નજર રાખશે.