દર વર્ષે 10મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' (World Suicide Prevention Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવી, આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા અને તણાવ કે ડિપ્રેશનથી પીડાતા લોકોને ખચકાટ વિના પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ઘણીવાર વ્યક્તિ અંદરથી ગંભીર માનસિક કે ભાવનાત્મક સંકટમાંથી પસાર થતી હોય છે, પરંતુ સમાજના ડર કે ક્ષોભના કારણે પોતાની વેદના વ્યક્ત કરી શકતી નથી. આવા સમયે વ્યક્તિના વર્તનમાં આવતા નાના-મોટા ફેરફારોને ઓળખીને, તેને જજ કર્યા વિના સહાનુભૂતિપૂર્વક સાંભળવામાં આવે તો એક અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય છે.

માનસિક સંકટ અને સુસાઈડલ થોટ્સના મુખ્ય સંકેતો:
કોઈપણ વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે હંમેશા તેના ચહેરા પરથી જાણી શકાતું નથી, પરંતુ તેના વર્તનમાં આવતા આ બદલાવો જોખમની ઘંટડી સમાન હોઈ શકે છે. ચાલો જોઈએ કયા છે આ સંકેત-
⦁ સતત હતાશા, લાચારી અનુભવવી અથવા પોતે પરિવાર પર બોજ છે તેવી વાતો કરવી.
⦁ અચાનક પરિવાર, મિત્રો અને સામાજિક વર્તુળથી સંપૂર્ણ અંતર બનાવી લેવું.
⦁ રોજિંદા વ્યવહાર, મૂડ અને ખાવા-પીવાની ટેવોમાં મોટો અને અણધાર્યો ફેરફાર થવો.
⦁ પહેલાં જે પ્રવૃત્તિઓ ખૂબ ગમતી હોય તેમાં રસ-રસિકતા સંપૂર્ણ ખતમ થઈ જવી.
⦁ મૃત્યુ, જીવનના અંત કે પોતાને નુકસાન પહોંચાડવા (Self-harm) ની વાતો વારંવાર કરવી.
⦁ ભવિષ્યને લઈને અત્યંત નકારાત્મક, નિરાશાવાદી અને અંધકારમય દ્રષ્ટિકોણ દર્શાવવો.
⦁ પોતાની મહત્વપૂર્ણ વસ્તુઓ કે અંગત બાબતોને અચાનક બીજાને સોંપી દેવી કે વિદાય લેવા જેવું વર્તન કરવું.

સંકટમાં મુકાયેલી વ્યક્તિ સાથે વાતચીત કેવી રીતે શરૂ કરવી?
સહાનુભૂતિપૂર્વક સાંભળો:
વાતચીતની શરૂઆત સહજ અને આશ્વાસન આપતા શબ્દોથી કરો, જેમ કે મેં નોંધ્યું છે કે તું થોડા દિવસોથી પરેશાન લાગે છે, જો તારે દિલ હળવું કરવું હોય તો હું તારી વાત સાંભળવા તૈયાર છું.
આ વાતો કહેવાનું ટાળો:
વ્યક્તિ જ્યારે પોતાનું દર્દ જણાવે ત્યારે આવું ન વિચારાય, બધું સારું થઈ જશે કે તું મજબૂત બન જેવી સલાહો આપવાને બદલે શાંત રહીને તેના મનની વેદનાને સાંભળો.
સીધો અને સંવેદનશીલ સવાલ પૂછો:
જો શંકા લાગે તો સંવેદનશીલતાથી પૂછો કે શું તેને પોતાને નુકસાન પહોંચાડવાના વિચારો આવે છે? યોગ્ય રીતે પૂછાયેલો સવાલ ક્યારેય નકારાત્મકતા વધારતો નથી, પરંતુ વ્યક્તિને મદદ માંગવાની હિંમત આપે છે.
એકલા ન છોડો:
જો વ્યક્તિ ગંભીર જોખમમાં જણાય તો તેને ક્યારેય એકલા ન છોડો. તાત્કાલિક કોઈ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત (સાયકોલોજિસ્ટ/કાઉન્સિલર) કે ઈમરજન્સી હેલ્પલાઈનનો સંપર્ક કરાવો.