Sat Sep 05 2026

Logo

રેલવે સ્ટેશન હવે માત્ર ટ્રેન પિકઅપ કે ડ્રોપ માટે નહીં! સ્થાનિક કારીગરોએ કર્યુ ₹162 કરોડના ઉત્પાદનોનું વેચાણ

2026-09-02 22:02:42
Author: Mumbai Samachar Team
રેલવે સ્ટેશન હવે માત્ર ટ્રેન પિકઅપ કે ડ્રોપ માટે નહીં! સ્થાનિક કારીગરોએ કર્યુ ₹162 કરોડના ઉત્પાદનોનું વેચાણ

ANI


નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન માત્ર હવે પેસેન્જર માટે ટ્રેન પકડવાની કે ડ્રોપ થવાનો પોઈન્ટ નથી. પ્લેટફોર્મ હવે અર્થ ઉપાર્જન કરવાનું કેન્દ્ર બની રહ્યું છે. આ પાછળ રેલવે મંત્રાલયે અપનાવેલા એક ઉત્તમ અભિગમનું યોગદાન છે.દેશના અનેક એવા મોટા રેલવે સ્ટેશન પર હવે પરંપરાગત સ્ટોલ કરતા નવા આઉટલેટ, ફ્રેન્ચાઈઝી અને જાણીતા બિઝનેસ મોડેલ જોવા મળે છે. સ્થાનિક કારીગરો, વણાંટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો તથા નાના ઉત્પાદકો માટે આ એક 'સેલિંગ સેન્ટર' છે. 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' (OSOP)યોજના અંતર્ગત વડા પ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળી રહ્યો છે. જેનું માધ્યમ રેલવે પ્લેટફોર્મ છે. 

2300થી વધારે આઉટલેટ
રેલવેના અધિકારીઓએ જણાવ્યા અનુસાર OSOP અંતર્ગત અત્યાર સુધીમાં ₹162.39 કરોડના ઉત્પાદનો રેલવે સ્ટેશન પરથી વેચાયા છે. આ યોજનાનો અર્થ રેલવેના વિશાળ નેટવર્કનો ઉપયોગ સ્થાનિક અને ક્ષેત્રીય ઉત્પાદનને દેશના જુદા-જુદા ભાગમાં પ્રવાસીઓ દ્વારા પહોંચાડવાનો છે.જે સ્ટેશન પર પ્રવાસી થોડી રાહ જોવે છે, એ સ્ટેશન પરની હસ્તકલા, આર્ટવર્ક, શિલ્પ, કપડા તેમજ સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો મોકો રેલવે સ્ટેશન પરથી હવે મળી રહે છે. એકબાજુ સ્થાનિક ઉત્પાદનોને દૂર-દૂર સુધી પહોંચાડવું આસાન થયું છે તો બીજી તરફ પ્રવાસીઓે એક ખરીદીનું નવું માધ્યમ વૈવિધ્ય સાથે મળી રહ્યું છે. બીજી બાજુ વેપારીઓ તથા કારીગરો માટે મોટી માર્કેટ સાથે જોડાવવાનો ચાન્સ મળી રહે છે.જેના પાયામાં રેલવે પ્લેટફોર્મ છે. રેલવેના રિપોર્ટ અનુસાર OSOP નેટવર્કમાં અત્યારે 2300થી વધારે આઉટલેટ છે. દેશના 2000 થી વધારે રેલવે સ્ટેશન સુધી સ્થાનિક ઉત્પાદનો પહોંચી રહ્યા છે અને આ જ સંખ્યામાં વેપારીઓને પ્લેટફોર્મ મળી રહ્યા છે. 

દોઢ લાખથી વધારે ડાયરેક્ટ કસ્ટમર્સ
અત્યાર સુધીમાં 1.54 લાખથી વધારે લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે, આશરે 1.50 લાખ ડાયરેક્ટ કસ્ટમર્સથી વેપારીઓને પણ ફાયદો થયો છે, આ એવા વેપારીઓ છે જેને ડાયરેક્ટ પોતાના ઉત્પાદન સીધા જ પ્લેટફોર્મ પર વેચવા માટેનો લાભ મળ્યો છે. આનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ વોકલ ફોર લોકલને વેગ મળી રહ્યો છે. આનો હેતુ માત્ર સ્થાનિક સામાન વેચવાનો નથી, લોકલ સ્તર પર રહેતા કારીગર, નાના ઉદ્યોગપતિ, વણાંટકામ કરનારા લોકોને એવું પ્લેટફોર્મ આપવાનો છે. જે ઉત્પાદનને એક વિશાળ ફલક આપી શકે.મોંઘા માર્કેટ સ્ટોલની પ્રક્રિયા વગર જ મોટું માર્કેટ પૂર પાડવાનો છે. વન સ્ટેશન વન પ્રોડ્ક્ટ યોજનાની શરૂઆત તા.25 માર્ચ 2022ના રોજ થઈ હતી. પ્રથમ તબક્કામાં 19 સ્ટેશન પર 15 દિવસ માટે એક મર્યાદિત ટાઈમ પીરીયડ અનુસાર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ પછી એક અભિયાન અને યોજના તરીકે જુદા જુદા ઝોનમાં એનો વિસ્તાર કરવામાં આવ્યો. આનાથી ઉત્પાદનને એક મોટો વ્યાપ મળ્યો. 

એક સ્ટોલની કિંમત કેટલી?
સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગપતિઓને આનાથી પ્લેટફોર્મ પર સ્ટોલ માટેની જગ્યા મળી અને ઉત્પાદનને મોટું માર્કેટ મળ્યું. જેમાં રેલવે નેટવર્ક એક માધ્યમ બની ગયું. સ્ટોલનો રોટેશનના આધાર પર આપવામાં આવે છે.જેના દર માર્કેટ કરતા ઘણા ઓછા હોય છે. આનાથી ફાયદો એ થાય છે કે, પ્રવાસીઓને એક જ સ્થાનના જુદા જુદા ઉત્પાદન મળે છે અને વેપારીઓને પણ એકથી વધારે ઉત્પાદન વેચવા માટેનો ચાન્સ મળે છે. મધુબની પેઈન્ટિંગ, ભાગલપુરી સિલ્ક, આસામના ગમોસા, મેખલા ચાદર, રાજસ્થાનના ડોરિયા, સાંગાનેરી પ્રિન્ટ, કર્ણાટકના ચન્નાપટના ટોય્ઝ, કાંચીપુરમ સિલ્કનો સમાવેશ થાય છે. જે ઉત્પાદન તરીકે રેલવે પ્લેટફોર્મ પરથી વેચાય છે. પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર આ પ્રકારના 378 સ્ટોલ છે. આ સ્ટોલ માટે ₹500થી ₹1000 સુધી સ્ટોલ માટે ચૂકવીને 15 દિવસ સુધી રેલવે પ્લેટફોર્મને એક માધ્યમ બનાવી શકાય છે. મહારાષ્ટ્રમાં 205, તમિલનાડુમાં 199 અને ઉત્તર પ્રદેશમાં 196 એકમો છે.