69 કિલો એમડી અને 260 લિટર કેમિકલ સહિત 139 કરોડ રૂપિયાની મતા જપ્ત: આરોપીઓમાં મોટા ભાગના ઉચ્ચ શિક્ષિત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાલાસોપારામાં ડ્રગ્સ વેચતા ઝડપાયેલા બે આરોપીની પૂછપરછ પછી મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મેફેડ્રોન ડ્રગ (એમડી)નું ઉત્પાદન અને વેચાણ કરનારી સિન્ડિકેટ સાથે સંકળાયેલા 21 આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના કચ્છ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ધમધમતી ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ કરી એમડી અને ડ્રગ બનાવવા ઉપયોગમાં લેવાતા 260 લિટર કેમિકલ સહિત આશરે 139 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી.
એમબીવીવીના પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે જૂનના છેલ્લા સપ્તાહમાં નાલાસોપારા પૂર્વના પ્રગતિ નગર ખાતેથી બે આરોપી અવિનાશ ઉર્ફે સોનુ અય્યર (22) અને રવિકાંત રામ (23)ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 3.36 લાખનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ વેચવાને ઇરાદે લવાયું હોવાનું તપાસમાં જણાતાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.
યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમ ડ્રગ્સની લિંક શોધી કાઢવા સતત તપાસમાં લાગી હતી. આરોપીઓની પૂછપરછ અને મળેલી માહિતીને આધારે મુંબઈ, કલ્યાણ, નેરળ, જળગાંવ, ગુજરાત અને ઉત્તર પ્રદેશથી વધુ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં મોટા ભાગના ઉચ્ચ શિક્ષિત હોવાથી તેમને કેમિકલ અને ડ્રગ્સ બનાવવા સંબંધી ઘણી જાણકારી હતી. આરોપીમાંથી કોઈ એન્જિનિયર તો કોઈએ ફાઈનાન્સમાં માસ્ટરી કરી છે. અમુક વિવિધ ડિગ્રીધારી હોવાનું પણ જણાયું છે. મુંબઈથી પકડાયેલા આરોપી ગુજરાતના કચ્છમાં જઈને ડ્રગ્સ બનાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, એવું પ્રમોદ બડાખે જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છના અબડાસા તાલુકાના સાંધાણ ગામમાં ખેતરની જમીનમાં ફૅક્ટરી શરૂ કરીને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવી હતી. માહિતીને આધારે પોલીસની ટીમ કચ્છ પહોંચી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ આરોપીઓ સામાન સગેવગે કરી રફુચક્કર થઈ ગયા હતા.
જોકે કચ્છની ફૅક્ટરીમાં બારીકાઈથી તપાસ કરતાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેની ખાતરી થઈ હતી. પરિણામે જગ્યના માલિક જુમ્મા તાલાબ ઠાકરા (34)ની ધરપકડ કરવામાં આવી હતી. ફૅક્ટરી માટે કચ્છના માંડવી તાલુકામાં રહેતો ધવલ શંકરપુરી ગોસ્વામી (33) કેમિકલ પૂરું પાડતો હોવાનું જાણવા મળતાં ધવલને પણ કસ્ટડીમાં લેવાયો હતો.

તપાસ દરમિયાન પોલીસે મુંબઈના કુર્લા પરિસરમાંથી હસીબ સિદ્દીકી ઉર્ફે ઈઝાઝ મર્ચન્ટને તાબામાં લીધો હતો. તેની પાસેથી 12 કિલો એમડી અને 18.70 લાખની રોકડ મળી આવી હતી. બાદમાં પોલીસે તેના સાથીઓને જળગાંવથી પકડી પાડ્યા હતા. આ એમડી ઉત્તર પ્રદેશથી લાવવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
માહિતીને આધારે પોલીસની ટીમ મંગળવારે પ્રયાગરાજના કોસાડા કાલા ગામમાં પહોંચી હતી. એક ખેતરની વચોવચ પતરાની શેડમાં ધમધમકી ડ્રગ્સ ફૅક્ટરી પર રેઇડ કરી બાવન કિલો એમડી, 260 લિટર એમડી બનાવવા વપરાતું કેમિકલ તેમ જ સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા રાયગડની કુખ્યાત જાલિમ ગૅન્ગના સભ્ય આર્યન સય્યદે રાયગડમાં ડ્રગ્સ માટેની લૅબ શરૂ કરવાની તૈયારી આરંભી હતી. આ માટે જરૂરી સાધનો પણ વસાવ્યાં હતાં, પરંતુ લૅબ શરૂ થવા પહેલાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.