નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા એક IAS અધિકારી સામે અત્યંત કડક અને દુર્લભ કહી શકાય તેવા પગલાં લીધા છે. 2003ની બેચના AGMUT કેડરના વરિષ્ઠ IAS અધિકારી પદ્મા જયસ્વાલને તાત્કાલિક અસરથી સેવામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારી અને તાલીમ વિભાગની ભલામણ બાદ ભારતના રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરીથી આ બરખાસ્તગીનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, DoPT સીધું વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે અને AGMUT કેડરના અધિકારીઓના મામલામાં તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણોના આધારે નિર્ણય લે છે.
આ કડક કાર્યવાહી પાછળ આશરે 18 વર્ષ જૂનો એક ભ્રષ્ટાચારનો મામલો જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના વર્ષ 2007-08ની છે, જ્યારે પદ્મા જયસ્વાલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. ફેબ્રુઆરી 2008માં સ્થાનિક નાગરિકો દ્વારા તેમની સામે સત્તાનો દુરુપયોગ કરવા અને સરકારી નાણાંની ઉચાપત કરવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર આક્ષેપોને પગલે એપ્રિલ 2008માં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જોકે બાદમાં ઓક્ટોબર 2010માં તેમનું સસ્પેન્શન રદ કરીને તેમને સેવામાં પરત લેવામાં આવ્યા હતા.
બીજી તરફ, અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પદ્મા જયસ્વાલે પોતાની બરખાસ્તગી અંગેના કોઈપણ આદેશ કે આવી કોઈ કાર્યવાહીની જાણકારી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પદ્મા જયસ્વાલે પોતાના બે દાયકાથી વધુના લાંબા વહીવટી કાર્યકાળ દરમિયાન અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ગોવા અને પુડુચેરીમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર જવાબદારીઓ નિભાવી છે. એક વરિષ્ઠ અધિકારી હોવા છતાં તેમના પર લાગેલા આ આક્ષેપો અને હવે લેવાયેલા પગલાંથી અમલદારશાહીમાં ભારે ચર્ચા જાગી છે.
પદ્મા જયસ્વાલ વહીવટી અનુભવની સાથે શૈક્ષણિક રીતે પણ ખૂબ જ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ પંજાબ યુનિવર્સિટીની યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ MBA ની ડિગ્રી ધરાવવાની સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયામાંથી પ્રમાણિત કંપની સેક્રેટરી પણ છે. આ ઉપરાંત તેમણે UGC રિસર્ચ ફેલો તરીકે પણ પોતાની સેવાઓ આપી છે. તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક રસના મુખ્ય વિષયોમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ અફેર્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને લીગલ પર્સનલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.