Sat May 16 2026

Logo

આજે ગુજરાત જીતશે તો `ટૉપ-ટૂ'માં લગભગ ફિક્સ, કોલકાતા માટે 100મી મૅચમાં નાકનો સવાલ

2026-05-16 17:50:15
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલની 60મી મૅચ રમાશે જેમાં જો 16 પૉઇન્ટ ધરાવતા ગુજરાત ટાઇટન્સ (GT)નો વિજય થશે તો સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પહોંચી જ જશે, ટૉપ-ટૂના સ્થાનમાં પણ લગભગ ફિક્સ થઈ જશે. બીજી બાજુ, માત્ર નવ પૉઇન્ટ ધરાવતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે ઘરઆંગણે આ મૅચ જીતીને સ્પર્ધામાં ટકી રહેવા માટે આબરૂનો સવાલ છે.

ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં કોલકાતાની આ 100મી મૅચ છે અને એ જીતવા તેઓ કોઈ કસર બાકી નહીં રાખે. ઉલ્લેખનીય છે કે ટૉપ-ટૂમાં રહેનારી ટીમને ક્વૉલિફાયર-વનમાં જીતીને સીધા ફાઇનલમાં જવા મળશે અને પરાજિત થનારી ટીમને ફાઇનલમાં જવા વધુ એક મોકો મળશે. એ જોતાં, ટૉપ-ટૂમાં સ્થાન મેળવવા ગુજરાત ઉપરાંત બેંગ્લૂરુ અને હૈદરાબાદ વચ્ચે સીધી હરીફાઈ છે.

અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતાની ટીમ લગભગ એક મહિના પછી ફરી ઈડન ગાર્ડન્સમાં રમશે. આ ટૂર્નામેન્ટમાં કોલકાતાની ટીમ છેલ્લી પાંચ મૅચમાંથી એક મૅચ હારી છે, જ્યારે ગુજરાતે આજ પહેલાંની પાંચેપાંચ મૅચ જીતી હતી.

ગુજરાતનું ભાગ્ય પલટાયું

આ વખતની ટૂર્નામેન્ટના મધ્ય ભાગમાં ગુજરાતની ટીમ મુસીબતમાં હતી. સાતમાંથી તેઓ ત્રણ જ મૅચ જીત્યા હતા અને ટીમમાં વિકલ્પો ખૂટી ગયા હતા. બૅટિંગમાં મિડલ-ઑર્ડર નબળો હતો અને ટૉપ-ઑર્ડર (સાઇ સુદર્શન, શુભમન ગિલ, જૉશ બટલર) પાસે વધુ પડતી અપેક્ષા રાખવામાં આવતી હતી. જોકે 12 મૅચ પછી સ્થિતિ એવી છે કે પૉઇન્ટ્સ-ટેબલમાં 2022ની ચૅમ્પિયન તથા 2023ની રનર-અપ ગુજરાતની ટીમ સતત પાંચ મૅચ જીત્યા પછી બેંગ્લૂરુ પછી હવે બીજી નંબરે છે અને આજની મૅચ જીતીને સત્તાવાર રીતે પ્લે-ઑફમાં એન્ટ્રી કરશે.

કોલકાતાને કેટલો ચાન્સ?: નારાયણ સિદ્ધિ મેળવશે

ત્રણ ટાઇટલ જીતી ચૂકેલા કોલકાતાની ટીમ જો આજે ગુજરાત સામે હારી જશે તો પ્લે-ઑફની રેસની બહાર નહીં થાય, પરંતુ એમાં પહોંચવા માટે એણે આવનારા દિવસોમાં અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. કોલકાતાના પીઢ વિદેશી સ્પિનર સુનીલ નારાયણ આજે આઇપીએલમાં 200 મૅચ રમનાર પ્રથમ વિદેશી ખેલાડી બનશે.