મુંબઈ/સાંગલી: 2025નો અંત જાણીતા સંગીતકાર પલાશ મુચ્છલ માટે ઘણો ખરાબ રહ્યો હતો. હવે 2026ની શરૂઆતમાં સાંગલીના અભિનેતા અને પ્રોડ્યુસર વિદ્યાન માનેએ પલાશ મુચ્છલ પર છેતરપિંડી અને ચારિત્ર્યહનન જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. જેનાથી મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પલાશ મુછલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પલાશ મુચ્છલે માંડ્યો માનહાનિનો દાવો
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી વિદ્યાન માનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પલાશ મુછલે તેની ફિલ્મ "નઝરિયા" માં રોકાણ કરવાના નામે મારી પાસેથી કુલ 40 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સિવાય 12 લાખ રૂપિયાના નફાની અને ફિલ્મમાં રોલની લાલચ આપવામાં આવી હતી. વિદ્યાન માનેએ આક્ષેપ કર્યો છે કે, પલાશની માતાએ તેની પાસે વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેણે કરેલું રોકાણ પાછું ન આપવાની ધમકી આપી હતી.

ઉપરોક્ત ફરિયાદ સિવાય વિદ્યાન માનેએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, 23 નવેમ્બર, 2025 ના રોજ લગ્નની તૈયારીઓ દરમિયાન પલાશ અન્ય મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાયો હતો. જેના કારણે ભારતીય મહિલા ક્રિકેટરોએ તેને ઠપકો આપ્યો હતો અને તેના લગ્ન રદ થયા હતા.
24 જાન્યુઆરી, 2026ના રોજ પલાશ મુચ્છલે ઇન્સ્ટાગ્રામ દ્વારા વિદ્યાન માનેના આક્ષેપોનો જવાબ આપ્યો છે. પલાશ મુચ્છલે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, "મારા વકીલ શ્રેયાંશ મિથારેએ સાંગલીના નિવાસી વિદ્યાન માનેએ મારી પ્રતિષ્ઠા અને ચરિત્રને જાણીજોઈને ખરાબ કરવાના ખરાબ આશયથી લગાવેલા ખોટા, અભદ્ર અને અત્યંત બદનક્ષીભર્યા આરોપો બદલ 10 કરોડ રૂપિયાની માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે."
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંદાના સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશ મુચ્છલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમની પ્રાઇવસીનો આદર કરવામાં આવે. તેમના વિશે ખોટી વાતો ન ચલાવવામાં આવે. અન્યથા તેમની લીગલ ટીમ તેનો જવાબ આપશે.