નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. કલા, સાહિત્ય, રમતગમત અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનારા મહાનુભાવોને આ સન્માન એનાયત કરવામાં આવશે. આ વર્ષે કુલ 131 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સમાજના પાયાના સ્તરે કામ કરનારા 'અનસંગ હીરોઝ' પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ધર્મેન્દ્ર કુમારને મળશે પદ્મ શ્રી એવોર્ડ
પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણની યાદીમાં મનોરંજન અને જાહેર જીવનના મોટા નામો જોવા મળે છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (મરણોપરાંત) અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત થઈ છે. જ્યારે પદ્મ ભૂષણ સન્માન મેળવનારાઓમાં પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞનિક, દક્ષિણના સુપરસ્ટાર મમૂટી અને ઉદ્યોગપતિ ઉદય કોટકનો સમાવેશ થાય છે. આ સન્માન કલાકારો અને સામાજિક અગ્રણીઓની વર્ષોની તપસ્યાનું ફળ છે.
પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારા 131 લોકોમાં રમતગમત જગતના જાણીતા ચહેરાઓ પણ સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરાશે. આ ઉપરાંત હોકી ખેલાડી સવિતા પુનિયાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ વર્ષે કુલ પુરસ્કારોમાં 19 મહિલાઓ અને 16 મરણોપરાંત પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે, જે આ સન્માનની વિવિધતા અને વ્યાપ દર્શાવે છે.
ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મ પુરસ્કાર
પદ્મ પુરસ્કાર 2026ની યાદીમાં ગુજરાતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુરતના નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા, વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા અને જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈનો સમાવેશ થાય છે. નિલેશ મંડલેવાલાએ સુરતમાં 'ડોનેટ લાઈફ' (Donate Life) નામની સંસ્થા સ્થાપી છે. તેઓ ઘણા વર્ષોથી અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને બ્રેઈન ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાવીને હજારો લોકોને નવું જીવન અપાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત અનુપમા સિરિયલમાં 'બાપુજી'નું પાત્ર નિભાવી ઘરે ઘરે જાણીતા થયેલા અરવિંદ વૈદ્યને પણ કલાક્ષેત્ર પદ્મશ્રીનું સન્માન એનાયત કરવામાં આવશે. તેઓ નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક છે.