ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક મળી હતી. જેમાં બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ સહિતમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ વાઘ સંરક્ષણ માટે સ્થાનિકોને તાલીમ આપવામાં આવશે. તેમજ ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી હતી.
વાઘ સંરક્ષણ-માટેની તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન
આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમા ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા.
18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સમક્ષ અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી. ધારાસભ્યોએ પણ ન્યજીવ સૃષ્ટિ સંરક્ષણ માટેના સૂચનો કર્યા હતા.