(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાનગરપાલિકામાં સત્તાની સ્થાપના માટે અત્યંત મહત્ત્વનું પદ ગણાતા મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાના મૅયરપદના આરક્ષણ માટે ગુરુવારે મંત્રાલયમાં શહેરી વિકાસ ખાતા દ્વારા લોટરી કાઢવામાં આવી હતી, જેમાં આગામી અઢી વર્ષ માટે મુંબઈ મહાનગરપલિકામાં મૅયરપદ એ જનરલ શ્રેણીમાં મહિલા માટે અનામત થઈ ગયું છે. સમગ્ર રાજ્યનું ધ્યાન મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી તરફ હતું ત્યારે જનરલ શ્રેણીની મહિલા માટે મૅયરપદ અનામત થવાની સાથે જ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપ તરફથી મૅયરપદે કોનું નામ આગળ આવે છે તેની દિવસભર ચર્ચા ચાલી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૨૭ બેઠકોમાંથી ૭૪ બેઠકો જનરલ શ્રેણી (ઓપન કેગેટરી)માટે હતી, જેમાં રાજકીય પક્ષોએ અનુભવી મહિલાઓની સાથે અનેક નવા ચહેરાઓને પણ તક આપી હતી. આગામી અઢી વર્ષ માટે મુંબઈનું મેયર પદ જનરલ શ્રેણીમાં મહિલા માટે અનામત થઈ ગયું છે ત્યારે ચૂંટણીમાં ૮૯ બેઠકો જીતનારા ભાજપ પાસે ૪૦ પુરુષ નગરસેવક છે, જેમાં ૧૯ નવા અને ૨૧ જૂના નગરસેવક છે. તેમ જ ૪૯ મહિલા ચૂંટાઈ આવી છે, જેમાં પચીસ નવી અને ૨૪ જૂની નગરસેવિકા છે, જેમાં ઓપન જનરલ શ્રેણીમાં ચૂંટણી લડીને ૨૭ નગરસેવિકાઓ ચૂંટણી જીતી છે.
ભાજપને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળી નથી, તેને શિવસેના(શિંદે) સાથે યુતિ કરીને ચૂંટણી લડી હતી, જેમાં શિંદેના ૨૯ નગરસેવક ચૂંટાયા છે. મુંબઈના મૅયરપદ માટે શિંદેની શિવસેના ઉત્સુક હોવાનું કહેવાય છે અને તે માટે તેઓ ભાજપ પર બહુમતીના નામે પ્રેશર લાવવાની ટેક્નિક પણ રમી રહી છે. જોકે ભાજપે આ વખતે મૅયર માટે કોઈ સામે નમવું નહીં એવી નીતિ રાખી હોવાનું કહેેવાય છે. જોકે સત્તાવાર રીતે બંને પક્ષમાંથી કોને મેયર પદ મળશે તે બાબતે હજી કોઈ જાહેરાત થઈ નથી પણ ભાજપના સૌથી વધુ નગરસેવક હોવાથી તેમનો જ મૅયર બનશે એવું માનવામાં આવે છે.
ભાજપ પાસે જનરલ શ્રેણીમાં ચૂંટણી લડીને જીતેલી ૨૭ મહિલા નગરસેવિકા છે, તેમાં અનેક જૂની અનુભવી અને નવા ચહેરા પણ છે. જોકે એ તમામ નગરસેવિકાઓમાથી મૅયર પદ માટે સૌથી આગળ નામ આ વખતે ત્રીજી ટર્મમાં વોર્ડ નંબર ૧૭૨માંથી ચૂંટાઈ આવેલી રાજશ્રી શિવડેકર, વોર્ડ નંબર ૪૬માંથી બીજી વખત જીતેલી યોગિતા કોળી, વોર્ડ નંબર બાવનમાંથી જીતેલી પ્રીતિ સાટમ અને જાગૃતિ પાટીલ, રિતુ તાવડે અને અલકા કેળકરના આગળ આવી રહ્યા છે. એ સિવાય અન્ય નામો પર પણ આખો દિવસ સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી પણ જેમાં યુબીટીમાંથી આવેલી તેજસ્વી ઘોસાળકરનું નામ આગળ કરવામાં આવી રહ્યું હતું. જોકે પક્ષના સિનિયર નેતાના કહેવા પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારને જો મૅયરનું મહત્ત્વનું પદ આપવામાં આવે તો પક્ષમાં ચૂંટાયેલા સિનિયર નગરસેવકોમાં અસંતોષ જાગશે, જે પક્ષને પરવડી શકે નહીં.