(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ગઈકાલે ટ્રેડ વૉરનો તણાવ હળવો થતાં સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલાઈ ગયા બાદ આજે પુનઃ ભૂરાજકીય અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોના અને ચાંદીના ભાવે નવી વિક્રમ સપાટી નોંધાવ્યા બાદ સાધારણ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 17,994નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3169થી 3182 ઉછળી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 17,994ના બાઉન્સબૅક સાથે ફરી રૂ. ત્રણ લાખની સપાટી કુદાવીને રૂ. 3,17,705ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, આજે મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલીને બાદ કરતાં સાર્વત્રિક સ્તરેથી માગમાં સૂનકાર હતો. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે રૂ. 3169 વધીને રૂ. 1,53,692ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3182 વધીને રૂ. 1,54,310ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગ પણ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ જે વધીને એક તબક્કે આૈંસદીઠ 4967.03 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 4930.44 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને 4932.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.4 ટકા વધીને આૈંસદીઠ 98.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ભાવ વધીને 99.34 ડૉલર સુધી પહોંચ્યા હતા.
એકંદરે ભૂરાજકીય તણાવ અને ટૅરિફ વૉરની ભીતિ દૂર થઈ હોવા છતાં હજુ અમુક અંશે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા જણાતા આજે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું એફએક્સટીએમના વિશ્લેષક લુકમાન ઑટુન્ગાએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના આંચકા જોવા મળી શકે છે. દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો સાથે થયેલી સમજૂતીના આધારે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે મંજૂરી લઈ લેવામાં આવી છે.
વધુમાં તાજેતરમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને તાજેતરના ડિડૉલરાઈઝેશનના વલણને કારણે પણ સોના-ચાંદીની તેજીને ટેકો મળી રહ્યો છે. હાલમાં રોકાણકારોની નજર આગામી 27-28 જાન્યુઆરીના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.