મુંબઈ: જો તમે પણ બે દિવસની રજાઓને ધ્યાનમાં લઈને શોપિંગ કે પછી મુંબઈ દર્શનનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે આવતીકાલે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા યથાવત્ રહેશે. દર રવિવારની જેમ આ રવિવારે પણ સિગ્નલ, ટ્રેક મેઇન્ટેનન્સ સહિત મહત્વના કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી રેલવે દ્વારા ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે ત્રણેય લાઈન પર લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે.
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 25મી જાન્યુઆરી 2026ના રવિવારે રોજ સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક લેવામાં આવશે. બ્લોકના આ સમય દરમિયાન ફાસ્ટ ટ્રેનોને માટુંગા અને મુલુંડ વચ્ચે અપ સ્લો લાઈન પર ડાયવર્ટ કરાશે અને તે તેના નિર્ધારિત સ્ટેશનો પર ઉભી રહેશે. આ ફેરફારને કારણે ટ્રેનો નિર્ધારિત સમય કરતાં લગભગ ૧૫ મિનિટ મોડી પહોંચવાની શક્યતા છે.
હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી અને બાંદ્રા વચ્ચે સવારે 11.40 કલાકથી બપોરે 4.40 કલાક સુધી અપ ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ, બેલાપુર અને વાશી જતી તેમ જ ત્યાંથી આવતી ટ્રેનો રદ રહેશે. આ સિવાય સીએસએમટીથી બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે પણ સેવાઓ પણ બંધ રહેશે, જોકે પ્રવાસીઓની સુવિધા માટે પનવેલ અને કુર્લા વચ્ચે દર 20 મિનિટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ પશ્ચિમ રેલવે પર અંધેરી અને ગોરેગાંવ વચ્ચે સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને માહિમથી અંધેરી વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી હાર્બર લાઈન પર કામ હાથ ધરવામાં આવશે જેને કારણે ચર્ચગેટ-ગોરેગાંવ અને સીએસએમટી-ગોરેગાંવ વચ્ચેની હાર્બર સેવાઓ રદ રહેશે.
રેલવે પ્રશાસન દ્વારા રવિવારની રજાને કારણે થનારી ભીડને ધ્યાનમાં લઈને પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે તેમ જ ઉપલબ્ધ વૈકલ્પિક રૂટની પૂરતી માહિતી મેળવીને જ પ્રવાસ કરે.
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરો જેથી તેઓ કોઈ પણ મુશ્કેલીમાં મૂકાતા બચી જાય અને તેમને હાલાકી ભોગવવાનો વારો ના આવે. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...