Thu Apr 23 2026

Logo

મુુુલુંડના રહેવાસીઓને હજી કેટલા દિવસ દુર્ગંધ સહેવી?

2026-04-06 08:51:00
Author: Sapna Desai
Article Image

ડિઝલની અછતને કારણે કચરા પર પ્રક્રિયાનું કામ ઘોંચમાં પડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈરાન-અમેરિકાના યુદ્ધની અસર મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચી ગઈ છે. મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાની  એપ્રિલ ૨૦૨૬ની મુદત કૉન્ટ્રેક્ટર ચૂકી જશે એવું જાણવા મળ્યું છે. હાલ ચાલી રહેલા યુદ્ધના પગલે ડિઝલની અછત વર્તાઈ રહી હોવાથી કચરા પર પ્રક્રિયા કરવાનું કામ અટવાઈ પડ્યું છે. તેથી હવે આ કામ કયારે પૂરું થશે અને કૉન્ટ્રેક્ટરને પાલિકા મુદત વધારી આપશે કે નહીં તે બાબતે ગૂંચવણ ઊભી થઈ છે.

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ૭૦ લાખ મેટ્રિક ટન કચરાને સાફ કરવાનો લક્ષ્યાંક એપ્રિલ, ૨૦૨૬માં લગભગ પૂર્ણ થવાનું હતું પણ લગભગ પાંચ વર્ષ બાદ પણ હજી સુધી સાત ટકા કચરો સાફ કરવાનો બાકી જ રહ્યો છે, તેમાં હવે યુદ્ધને પગલે કચરા પર પ્રક્રિયા પર કરવા માટે જરૂરી ડીઝલની અછતને કારણે કચરા પર પ્રોસેસિંગ કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાને સંપૂર્ણપણે પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાના આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની ચોથી સમયમર્યાદા આ મહિનાના અંતમાં પૂરી થવાની છે. અત્યાર સુધીમાં લગભગ ૬૫ ટકા મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવી છે. બાકીના પાંચ લાખ મેટ્રિક ટનનું કામ  ૧૦ દિવસમાં પૂર્ણ થવાનું હતું. જોકે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના ભડકાને કારણે ડીઝલનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને તેની સીધી અસર મુુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કામને થઈ છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરા પર પ્રક્રિયા કરવા માટે ખોદકામ,  બાયો-માઈનિંગ અને ડમ્પર અને સ્ક્રીનીંગ જેવા મશીનરીની આવશ્યકતા છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ડીઝલની અછતને કારણે કામને અસર થઈ હોવા બાબતે કૉન્ટ્રેક્ટરે પાલિકાને જાણ કરી છે. ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૭૦ લાખ મેટ્રિક ટનમાંથી પંચાવન લાખ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી હતી. દિવસના ૧૦થી ૧૨ હજાર ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. જોકે ડિઝલની અછતને કારણે આ મહિને બાકીનું સાત ટકા કામ પૂર્ણ કરવું પડકારજનક લાગી રહ્યું હોવાનું કૉન્ટ્રેક્ટરને પાલિકાને જણાવ્યું હતું. જોકે હવે તેને સમયમર્યાદા લંબાવવાનો કોઈ ઈરાદો નહીં હોવાની સ્પષ્ટતા પાલિકા અધિકારીએ કરી હતી. કૉન્ટ્રેક્ટરને શક્ય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.

મુંબઈમાં દરરોજ લગભગ ૭,૦૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાંથી ૯૦ ટકા કચરો કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. તો ૧૦ ટકા કચરો હજી પણ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ૨૪ હેક્ટરમાં ફેલાયેલું છે અને ૧૯૬૮થી કાર્યરત હતું. એક સમયે મુંબઈનું તે સૌથી મોટું ડમ્િંપગ ગ્રાઉન્ડ હતું. ૨૦૧૮ની સાલમાં તેને સત્તાવાર રીતે બધ કરવામાં આવ્યું હતું અને એ જ વર્ષે ઓક્ટોબરમાં પાલિકાએ બાયો-માઈનિંગ દ્વારા સાઈટને ફરી મેળવવા માટે ૭૩૧ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. જોકે આ દરમ્યાન ૨૦૧૯માં કોવિડને કારણે લાગુ પડેલા લોકડાઉનને કારણે સાઈટ પર કામ છેક ૨૦૨૧ની સાલમાં શરૂ થયું હતું અને તેને કારણે કામ સતત તેની ડેડલાઈન ચૂકી ગયું હતું.