(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચમાં આવી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની પત્નીએ 67.60 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
મીરા રોડમાં રહેતી 47 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર નવેમ્બર, 2025માં મહિલાના મોબાઈલ પર એક લિંક આવી હતી, જેમાં શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાનો ઉલ્લેખ હતો. લિંક પર ક્લિક કરી મહિલા વ્હૉટ્સઍપ ગ્રૂપમાં જોડાઈ હતી.
આ ગ્રૂપના અન્ય સભ્યો તેમને થયેલા નફાની વિગતો પોસ્ટ કરતા હતા. સાથે રજિસ્ટર કંપનીઓના શૅરબજારમાં નોંધણી કરેલા દસ્તાવેજો પણ ગ્રૂપમાં મૂકવામાં આવતા હતા, જેને પગલે મહિલાને ગ્રૂપ પર વિશ્ર્વાસ બેઠો હતો. એ સિવાય સદસ્યોના અનુભવ અને નફાની વિગતો વાંચી મહિલાને રોકાણ કરવાની ઇચ્છા થઈ હતી.
કેવાયસી કર્યા પછી મહિલાએ શરૂઆતમાં 50 હજાર રૂપિયા રોક્યા હતા. પછી શૅરબજાર અને આઈપીઓમાં રોકાણ કરેલી રકમ પર સારું વળતર તેને દર્શાવાતું હતું. પરિણામે સમયાંતરે મહિલાએ આરોપીએ આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં 67.60 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આની સામે મહિલાને તેના ખાતામાં 3.14 કરોડ રૂપિયા જમા હોવાનું દર્શાવાયું હતું.
બાદમાં મહિલાને વધુ 35.40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. મહિલાને શંકા જતાં તેણે શૅરબજારના અનુભવીની સલાહ લીધી હતી. એ વ્યક્તિએ રોકાણ કરેલી મૂળ રકમ તાત્કાલિક કઢાવી લેવાની સૂચના મહિલાને આપી હતી. પરિણામે મહિલાએ રૂપિયા કઢાવવાનો પ્રયાસ કરતાં તે નિષ્ફળ રહી હતી.
અલગ અલગ કારણો દર્શાવવાને કારણે મહિલા નાણાં કઢાવી શકતી નહોતી. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં તેણે સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે કાશીમીરા પોલીસે મહિલાનું નિવેદન નોંધી ગુનો દાખલ કર્યો હતો.