Thu Mar 12 2026

Logo

વસંતઋતુના ફૂલનો ઔષધીય ઉપયોગ

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

આહારથી આરોગ્ય સુધીઃ

ડૉ. હર્ષા છાડવા

વસંતઋતુ એટલે એક મહોત્સવનો આરંભ. ફૂલોની મોસમ. રોજ સવારે ઉગતું ફૂલ વિશ્વને મદમત્ત મનમોહક મહેકનો મહોત્સવ અર્પણ કરે છે. ફૂલો પોતાની સુગંધ, સુંદરતા માટે જ ઓળખાય છે તેવું નથી તે તેના ઔષધીય ગુણોથી પણ માનવને મહેંકાવે છે. સૌથી સુંદર અને સુગંધિત રચના છે, જે પૃથ્વી પર સૌંદર્ય, રંગ અને જીવનનો સંચાર કરે છે. ઉજવણી અને પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે. ફૂલોમાંથી રંગો બનાવી તેનો ઉપયોગ ચિત્રકળા અને વસ્ત્રોને રંગીન બનાવવા થાય છે. એકથી બે દિવસનું ફૂલોનું જીવન જે ક્ષણ ક્ષણને મહેકાવી જાય છે.

વસંતઋતુમાં ઘણાંય ફૂલોનો ઉપયોગ શાક, સૂપ, ચટણી અને અથાણાં બનાવવામાં તેમ જ જામ બનાવવામાં થાય છે જેથી તેના ઔષધીય ગુણોનો લાભ શરીરના સ્વાસ્થ્યને જાળવવા માટે ઉપયોગી થાય છે. શીમળાના ફૂલ અને બોગન વીલા ફૂલો જે વસંતઋતુમાં મોટા પ્રમાણ ખીલે છે, આના ઔષધીય ગુણોનો લાભ જાણકારી રાખનારા લોકો લે છે.

શીમળાના ફૂલના ઘણાંય નામો છે જેમકે સેમલ, સિમ્બલ, વૈજ્ઞાનિક નામ બોમ્બેક્સ સીબીયા, રેશ્મી કપાસ ફૂલ, શાલ્મલી, મોચા, તુલિની પિચ્છિલા સ્થિરાયુ વગેરે. આ વૃક્ષનું આયુષ્ય બસોથી ત્રણસો વર્ષનું હોય છે. દોઢસો ફૂટ ઊંચું હોય છે. લાલ રંગનાં મોટાં પુષ્પો હોય છે. સ્વાદમાં મધુર અને હલકો તૂરો છે. પચવામાં હળવો છે. આ વૃક્ષમાંથી વિશેષ પ્રકારનો ગુંદર નીકળે છે જેને મોચરસ કહેવાય છે. જેમાં કેટકોલ ટેનિન અને ટેનિક એસિડ તેમજ ગેલિક એસિડ હોય છે. આઠથી નવ ટકા જેટલા ખનિજ પદાર્થ હોય છે. આ મોચરસથી મરડો, ઝાડા તેમજ શરીરની ગરમીનો નાશ થાય છે.

શીમળા ફૂલોના રસથી લોહીવા, શરીરના આંતરિક માર્ગમાં થતો રક્તસ્ત્રાવ અટકાવે છે. શાક બનાવીને ખાવાથી પણ લોહીવા મટે છે. સૂકા ફૂલનું ચૂર્ણ પણ ઉપયોગી છે. શીમળાના ઝાડનો મુલાયમ મૂળને મૂળકંદ કહેવાય છે. જે મૂશળી જેવા ઔષધીય ગુણ ધરાવે છે. દૂધમાં ઉમેરીને લઈ શકાય. ફૂલનો ઉપયોગ બહારના ઘાવ ભરવા તેમજ ચામડીના રોગો માટે ઉપયોગી છે. શાક પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. 

પહાડો પર આનું શાક બનાવી મોટા પ્રમાણમાં ખવાય છે. જે શરીરને સુંદરતા અને અનોખી આભા આપે છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં આના ઘણાંય વૃક્ષો થાય છે. ડાયાબિટીસના રોગીને જખમ થાય ત્યારે તેના પર પાનની લુગદી બનાવી જખમને ભરી શકાય છે. ડાયાબિટીસના દર્દીમાં આનું શાક, સૂપ ખૂબ જ ઉપયોગી છે.

બોગન વેલ કે બોગનવિલા કે કાગળનાં ફૂલો. આ એક લોકપ્રિય કાંટાવાળી અને સદાબહાર વેલા કે ઝાડવા જેવી વનસ્પતિ છે જે મોટા બંગલામાં કે રસ્તા પર શોભા વધારવા માટે લગાડવામાં આવે છે. આના પાન કરતાં પુષ્પો વધુ પ્રમાણમાં હોય છે. વિવિધ રંગોમાં જેવા કે લાલ, પીળા, ગુલાબી, જાંબુડીયા, સફેદ અને નારંગીમાં જોવા મળે છે.  

લગભગ બારેમાસ ખીલે છે. આ ફૂલો શહેરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ફૂલમાં કોઈ સુગંધ હોતી નથી અને પૂજામાં આને સ્થાન નથી. આના ઔષધીય ગુણો ખૂબજ શક્તિશાળી છે. ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવા માટે આ રામબાણ ઈલાજ છે. ઘણીય ડાયાબિટીસના ઔષધના ચૂર્ણમાં નાખી આનો ઉપયોગ કરાય છે. સરળતાથી મળી રહેતાં આ ફૂલોનો ઉપયોગ કરી ડાયાબિટીસની બીમારીને દૂર કરી શકાય છે.

કૃષ્ણકમળ- પેશન ફ્લાવર, રાખી બેલ ઝૂમખા લતા આ ફૂલ એ ઔષધીય ફૂલ છે જે અનિદ્રા, તાણ, ચિંતાને શાંત કરવા માટે અતિઉપયોગી છે. તેમજ દર્દવાળું માસિક ધર્મ, હાય બી.પી., પેટ સંબંધી સમસ્યા માટે સહાયક છે. આ ફૂલનો કાઢો બનાવીને લેવાથી ઘણીય સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

ગુલાબનાં ફૂલોથી કોઈ અજાણ નથી. આ ફૂલનો ચૂર્ણ બનાવી મુખવાસમાં વપરાય છે તેમજ ગુલકંદ તો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. આને પાણીમાં નાખી નિયમિત રીતે પાણી પી શકાય છે. સારી નીંદર, હૃદયસંબંધી વ્યાધિઓ માટે ઉપયોગી છે.

અગસ્તાનાં ફૂલો આને ઉલટ કંબલ પણ કહેવાય છે. આંખની બધી જ બીમારી દૂર રાખવા એક શક્તિશાળી ઔષધ છે. સફેદ ફૂલોનો ઉપયોગ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. શાક અને ભજિયાં બનાવીને ખવાય છે.

કૈલેંડુલા કે ગેંદાનાં ફૂલો ચામડીના રોગો માટે અતિ પ્રભાવશાળી છે. જે ત્વચાના ઘાવ, ખીલ, કીડાના સંક્રમણ કે તેણે આપેલા ડંખ પર ખૂબ ઉપયોગી છે. જે બવાસીર જેવી તકલીફને દૂર કરે છે. આનો મલમ પણ મળે છે. ગેંદાના ફૂલનું તેલ પણ ઘાવ માટે ઉપયોગી છે.

પ્રકૃતિ ફૂલોને સુંદરતા બક્ષી છે સાથે ઔષધીય ગુણો પણ આપ્યા છે. સાચી રીતે આનો ઉપયોગ કરવાથી બીમારી આવતી નથી. ફૂલો બજારમાં ઘણાંય મળે છે તેનો ઉપયોગ સજાગપણે કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ દ્વારા જ સાજા રહી શકાય છે.