મુંબઈ: પુણેમાં જોરદાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં તો મિસિંગ લિંક પાસે કોન્ક્રીટનો પિલર તૂટી પડતાં અને ભૂસ્ખલનને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.ભેખડ ધસી પડવાને કારણે મુંબઈ-પુણે વચ્ચેની રેલસેવા અટકી પડી હતી તો નવો તૈયાર કરાયેલો મિસિંગ લિંક પણ બંધ થઈ ગયો હતો. મિસિંગ લિંક પાસેનો પિલર તૂટી પડ્યો હતો અને મોટા પ્રમાણમાં ભેખડ ધસી પડી હતી, જેને કારણે એક્સપ્રેસવે પર કાટમાળ ફરી વળ્યો હતો. પરિણામે મુંબઈનો પુણે સાથેનો વાહનવ્યવહાર ખોરંભે ચડી ગયો હતો. કાટમાળ ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતું.
જિલ્લા વહીવટીતંત્ર અનુસાર સોમવારે 27 જગ્યાએ 65 મિ.મી. કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે માવળમાં સૌથી વધુ 237.3 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. માવળ તાલુકાના પાટણ ગામમાં ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેમાંથી એક ઘટનામાં એક જ પરિવારના ત્રણ જણે જીવ ગુમાવ્યો હતો. સોમવારની વહેલી સવારે આ પરિવારના ઘર પર ભેખડ ધસી પડી હતી, જેને કારણે ઘર કાટમાળ નીચે દટાઈ ગયું હતું.
પુણેના જ તળેગાંવ વિસ્તારમાં એક કંપનીની બસમાં અટવાયેલા 30 કર્મચારીને ફાયર બ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા, જ્યારે સાવચેતી ખાતર તાજે ગામમાં રહેતા 250 રહેવાસીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.