(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીના લોખંડવાલા પરિસરમાં આવેલી પૉશ ઈમારતમાં ગોળીબારના કેસમાં પોલીસે શનિવારની વહેલી સવારે કેઆરકે તરીકે જાણીતા અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ કરી હતી. લાઈસન્સવાળી પિસ્તોલની ટેસ્ટિંગ દરમિયાન ગોળીબાર થયો હોવાનો દાવો અભિનેતાએ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઓશિવરાની રહેણાક ઈમારત પર ગોળીબારના કેસમાં ઍક્ટરને શુક્રવારની મોડી રાતે તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 18 જાન્યુઆરીએ બની હતી. ઓશિવરાની નાલંદા બિલ્ડિંગ પર ગોળીબાર થયો હતો. ફાયરિંગનો અવાજ સાંભળી રહેવાસીઓ ફ્લૅટની બહાર નીકળી આવ્યા હતા. તપાસ કરતાં ફ્લૅટની બહારની દીવાલ પર ગોળી વાગવાનાં નિશાન દેખાયાં હતાં.
ઈમારતના બીજા માળ અને ચોથા માળ પરથી બે બૂલેટ્સ મળી આવી હતી. બીજા માળે લેખક-દિગ્દર્શક રહે છે તો ચોથા માળના ફ્લૅટમાં એક મોડેલ રહે છે. બૂલેટ્સ મળ્યા પછી રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ઓશિવરા પોલીસની ટીમ નાલંદા બિલ્ડિંગમાં પહોંચી હતી અને બન્ને બૂલેટ્સ તાબામાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને ગોળીબારના કોઈ સીસીટીવી કૅમેરા ફૂટેજ મળ્યાં નહોતાં. વળી, બિલ્ડિંગના કોઈ રહેવાસીની દુશ્મનાવટનો મામલો પણ સામે આવ્યો નહોતો. આખરે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કેસની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બીજા માળે બૂલેટ્સ બારીને વાગી ફ્લૅટમાં ગઈ હતી, જ્યારે ચોથા માળે દીવાલ પર વાગીને ગોળી પેસેજમાં પડી હતી. ફોરેન્સિક તપાસમાં ગોળી કઈ દિશામાંથી ચલાવવામાં આવી હશે તેનો અંદાજ લેવામાં આવ્યો હતો. બિલ્ડિંગની સામે અમુક બંગલો છે, જેમાંથી એકમાં ઍક્ટર કમાલ ખાન રહે છે. કમાલ ખાનના બંગલો તરફથી ગોળી મારવામાં આવી હોવાનો અંદાજ ફોરેન્સિક તપાસમાં આવ્યો હતો. પરિણામે ખાનને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
ગોળીબાર પાછળનો ચોક્કસ હેતુ જાણી શકાયો નહોતો, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ દરમિયાન પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર થયા હોવાનું કહેવાય છે. ખાન પાસે લાઈસન્સવાળી પિસ્તોલ છે, જે પોલીસે તપાસ માટે તાબામાં લીધી હતી. પિસ્તોલ અને બૂલેટ્સ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.