શ્રીલેખા યાજ્ઞિક
‘હોરી આઈ રે કાન્હા વ્રજ કે રસિયા હોરી આઈ રે’... ભારતમાં વસંત ઋતુનું ઘણું મહત્ત્વ છે. માનવીય જીવનમાં ઉત્સાહ-ઉમંગ ભરી દે તેવી આ ઋતુ હોય છે. વસંતનો મુખ્ય તહેવાર એટલે જ ‘હોળી’. જેમ યુવાનીમાં ‘વૅલેન્ટાઈન ડે’ની અગાઉથી તૈયારી થતી હોય છે.
નાની-મોટી પ્રત્યેક વ્યક્તિઓની સાથે વ્રજવાસીઓ ખાસ હોળીની રાહ આતુરતાથી જોતાં હોય છે. જીવનમાં એક વખત વ્રજની હોળીનો આનંદ અચૂક માણવો જોઈએ. હોળીની વાત આવે તેની સાથે ભાંગની યાદ આવે. ભાંગ શબ્દ વાંચીને તરત જ આપણા મનમાં એવો જ વિચાર આવે કે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી નથી. વાસ્તવમાં કુદરતે જેમ પ્રત્યેક વ્યક્તિને એક અનોખી આવડત સાથે પૃથ્વી ઉપર મોકલી છે, તે જ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિમાં કાંઈક અલગ જ ગુણો સમાવી દીધા છે.
ભારતમાં મારિજુઆના શબ્દ કે ભાંગ શબ્દ સાંભળીને એક અલગ પ્રકારની ઉત્તેજના જોવા મળે છે. મારિજુઆનાના ત્રણ સ્વરૂપ એટલે ગાંજો-ચરસ-ભાંગને રાખવી, ખાવી કે તેનો વ્યાપાર કરવો ગૈર-કાનૂની ગણાય છે. તેમાં એક અપવાદ છે જે છે ભાંગના બીજ. ભાંગના બીજ કૈનાબિસ સૈટિવા છોડમાંથી મળે છે. જે મારિજુઆનાના છોડથી અલગ પ્રકારનો છોડ છે.
ભાંગના બીજથી નશો થતો નથી. કેમ કે તેમાં ટેટ્રાહાઈડ્રોકેનાબિનોલનો અત્યંત નાનો ભાગ હોય છે. જેનો આરોગ્ય ઉપર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રભાવ નથી પડતો. આ બીજ સ્વાદમાં કુકકુરા હોય છે. હળવી મીઠાશની સાથે તેનો સ્વાદ અખરોટ જેવો લાગે છે. અનેક લોકોને તે છોતરાં સાથે ખાવા પસંદ હોય છે. તો કેટલાંક લોકોને તે છોતરાં સાફ કરીને ખાવા ગમે છે. દેખાવમાં તે અત્યંત નાના બીજ હોય છે, પરંતુ તેમાં પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો સમાયેલો હોય છે.
ભાંગના બીજમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે. પહાડી પ્રદેશોમાં ભાંગના બીજનો વિવિધ વ્યંજનોમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે. હવે તો ભાંગના બીજના ખાસ ગુણોને કારણે તેની નિકાસ મોટા પાયે થવા લાગી છે. ભાંગના બીજ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચા, પાચન ક્રિયા, મગજ માટે લાભકારક ગણાવા લાગ્યા છે. ભાંગના બીજનો નિયમિત ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો આવશ્યક છે.
આયુર્વેદમાં ભાંગના બીજને તેના ઔષધીય ગુણોને કારણે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિવિધ પોષક ગુણો હોવાની સાથે તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન, મિનરલ્સ સમાયેલાં છે. શાકાહારી ભોજન પસંદ કરતાં જનસમૂહ માટે ભાંગના બીજ એક સારો પર્યાય ગણવામાં આવે છે. ભાંગના બીજનો સમાવેશ સૂકા મેવા તરીકે કરવામાં આવે છે. તેના બીજમાં 30 ટકા તેલ તથા 25 ટકા પ્રોટીન સમાયેલું હોય છે.
ભાંગના બીજના તેલનું ઑક્સિડેશન તાપમાન ઓછું હોય છે. તેથી તેના તેલનો ઉપયોગ પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો કે લાંબા સમય સુધી રાખી શકાય તેવી વસ્તુના ઉપયોગમાં કરી શકાતો નથી. ભાંગના તેલમાં સ્વાસ્થ્ય માટે આવશ્યક પ્રત્યેક એમિનો એસિડ હોય છે. મુખ્યત્વે આર્જિનિન જે હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. બેક્ટેરિયા, ફંગસ કે વાયરસથી ફેલાતાં રોગથી બચાવે છે.
તેથી જ તો આજે આપણે હોળીમાં ખાસ ઉપયોગમાં લેવાતાં ભાંગના બીજના ગુણો વિશે જાણકારી મેળવી લઇએ :
ત્વચા સંબંધિત સમસ્યાને સુધારવામાં લાભકારક : ભાંગના બીજનો ઉપયોગ આહારમાં કરવાની સાથે ભાંગના બીજનું તેલ ત્વચા ઉપર ચમત્કારિક પરિણામ ધરાવે છે. કેમ કે ભાંગના બીજના અર્કમાં ઍન્ટિ બેક્ટેરિયલ, ઍન્ટિ ઈન્ફ્લેમેટરી તથા ઍન્ટિ ઑક્સિડન્ટ ગુણો સમાયેલાં હોય છે. જે ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જે કૉલેજન ઉત્પાદનનમાં વધારો કરે છે. જેની ગણતરી પ્રોટીનમાં થાય છે. ત્વચા ઉપર દેખાતા કાળા ડાઘ, લાલ ચકામાની સમસ્યામાં રાહત અપાવે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં લાભકારક : ભાંગના બીજને અંગ્રેજીમાં હેંપ સીડસ્ તરીકે ઓળખવામાં આવે છે. ભાંગના બીજમાં ઑમેગા-3 તથા ઑમેગા-6 જેવા સ્વાસ્થ્યવર્ધક ફેટી એસિડની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે પૉલી-અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તે અત્યંત ઉપયોગી ગણાય છે.
તેનું સેવન કરવાથી ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. વળી સારા કૉલેસ્ટ્રોલની માત્રા વધારવામાં મદદ કરે છે. જેથી નસોમાં લોહી ગંઠાઈ જવાની શક્યતા ઘટે છે. હૃદય તેનું કામ સુચારુ રીતે કરવા સક્ષમ બને છે. નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન દ્વારા પ્રકાશિત એક અધ્યયન મુજબ ભાંગના બીજમાં રહેલું ઑમેગા-3 ફેટી એસિડ જેથી તેનું સેવન કરવાથી ઈસ્કેમિક હૃદય રોગ જેવી સમસ્યાને રોકવાની ક્ષમતા વધે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા પ્રત્યે સજાગ વ્યક્તિએ ભાંગના બીજ તથા બીજના તેલનો ઉપયોગ અવશ્ય કરવો.
મગજના સ્વાસ્થ્યને સુધારવામાં ગુણકારી : ઑમેગા-3 ફેટી એસિડ નશો તેમ જ મગજના સ્નાયુઓને થતાં નુકસાનથી બચાવે છે. સ્વસ્થ મગજ ચોક્કસ રીતે વધુ સારું કામ કરી શકે છે. વય વધવાની સાથે યાદશક્તિ ઘટી જવાની તકલીફ કે અન્ય તકલીફને રોકવાનું કામ કરે છે. કેમ કે વય વધવાની સાથે શરીરમાં ઑમેગા-3 ફેટી એસિડની માત્રા ઘટવાની શરૂ થતી હોય છે. જેનાથી બચવું હોય તો ઑમેગા-3 ફેટી એસિડ ધરાવતો આહાર લેવો આવશ્યક ગણાય છે.
હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદરૂપ : પારંપારિક ચિકિત્સાનો ઉપયોગ અનેક વર્ષોથી સ્ત્રી રોગ તથા હોર્મોનલ સમસ્યાના ઈલાજ માટે થતો જોવા મળે છે. જેમાં ભાંગના બીજનો ઉપયોગ અસરકારક ગણાય છે. ભાંગના બીજમાં ગામા લિનોલેનિક એસિડ સમાયેલું હોય છે. જે મહિલાઓમાં રજોનિવૃત્તિનાં લક્ષણોને કારણે થતી તકલીફને નિયંત્રિત કરીને તેને નિયમિત કરવામાં મદદ કરે છે.
પોષણનો ખજાનો : ભાંગમાં પોષણનો ખજાનો સમાયેલો છે. તેમાં મેગ્નેશ્યિમ, ઝિંક આયર્નની માત્રા ભરપૂર છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરને ઊર્જાવાન બનાવે છે. ઍન્ટિ ઑક્સિડન્ટ તથા ઍન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોવાને કારણે ઈમ્યૂન સૅલ્સની રક્ષા કરવામાં મદદરૂપ થાય છે. શરીરમાં અચાનક દેખાતાં સોજાના અણુઓ જેને કારણે વ્યક્તિ અશક્તિ અનુભવે છે તેને રોકવામાં મદદ કરે છે.
કીટો ડાયેટમાં લાભકારી : આજકાલ યુવા-વર્ગ કીટો ડાયેટ પ્રત્યે વધુ આકર્ષાયો છે. ભાંગના બીજની સુગંધ તથા સ્વાદ સૂકામેવા જેવા હોવાથી તેને ટોસ્ટ ઉપર કે ઑટસ્માં ભેળવીને ખાઈ શકાય છે. જે વજન ઘટાડવાની સાથે શરીરમાં કાર્બ્સની માત્રા ઘટાડવામાં મદદ કરે છે.
ભાંગના બીજનો આહારમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય : ભાંગના બીજનો ઉપયોગ કરવો સરળ છે. જેમ ભોજનની સજાવટમાં કોથમીર-સૂકો મેવો-ફળોનો ઉપયોગ થાય છે તે જ પ્રમાણે ભાંગના બીજનો ઉપયોગ શક્ય છે. રાયતું બનાવ્યા બાદ, સલાડ, દલિયા, પુલાવ, શાક, બીરિયાની વગેરેની સજાવટમાં થઈ શકે છે. ભાંગના બીજની ચટણી પહાડી પ્રદેશની આગવી ઓળખ ગણાય છે.
મિલ્કશૅક, સ્મૂધી કે શરબતમાં ભાંગના બીજ વાપરી શકાય છે. પીત્ઝા, પાસ્તા, કુકીઝ બ્રેડ, કૅક વગેરેમાં વાપરી શકાય છે. ભાંગના બીજને પાણીમાં ભેળવીને તેનું દૂધ બનાવીને પી શકાય છે. લૈક્ટોઝ ઈન્ટોલરન્સની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે વનસ્પતિના બીજનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું દૂધ એક સારો વિકલ્પ ગણી શકાય. કેમ કે ભાંગના બીજ ગ્લૂટેન મુક્ત હોય છે.
ભાંગના લાડુ
સામગ્રી : 2 કપ ઑટસ, 1 કપ નાચણીનો લોટ, અડધો કપ ભાંગના બીજ, 1 કપ વિવિધ બીજ (તલ, પમ્પકીન, ચીયા, અળસી, અખરોટ ) અડધો કપ ગોળ.
બનાવવાની રીત : સૌ પ્રથમ ભાંગના બીજની સાથે ઉપરોક્ત લખેલાં બીજને ધીમા તાપે શેકી લેવાં. ઠંડા થાય ત્યારબાદ તેનો મિક્સરમાં અધકચરો ભૂકો કરવો. ઑટસને પણ શેકીને ભૂકો કરવો. ત્યારબાદ તેમાં નાચણીનો લોટ શેકીને ઉમેરવો. અડધો કપ ગોળ કડાઈમાં લઈને ધીમા તાપે ઓગાળી લેવો. ગોળ બરાબર ઓગળી જાય ત્યારબાદ તેમાં ઉપરોક્ત લોટ, શેકીને વાટેલાં બીજ, ઉમેરીને નાના લાડુ વાળી લેવાં, પ્રોટીનથી ભરપૂર આ લાડુ ઝડપથી બનવાની સાથે સ્વાદિષ્ટ બને છે.