ચોરવાડ: સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. લોકો જૂના મીટરના સ્થાને વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં આ મુદ્દે ચોંકાવનારા આક્ષેપો થયા છે. ચોરવાડમાં જે લોકોએ તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાની ના પાડી હતી તેમના વીજ કનેક્શન જ કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે.
મળતી વિગતો અનુસાર, ચોરવાડમાં જે લોકોએ તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાની ના પાડી હતી તેમના વીજ કનેક્શન જ કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયા હતા અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ચોરવાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આપના કાર્યકરે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સાહેબો અને તેમના મળતીયાઓની દાદાગીરી બહાર આવી છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે જે લોકો સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ કરી રહ્યા છે, તેઓને બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જે લોકો સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો તે લોકોના વીજ કનેક્શન કાપી નાખ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજો અને વિડીયો લઈને આમ આદમી પાર્ટીના નેતા અને સ્થાનિક લોકો પોલીસ ફરિયાદ લખાવવા માટે ચોરવાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમણે આગળ કહ્યું હતું કે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટે સરકારની કોઇ જ ગાઈડલાઇન નથી તેમ છતાં આવી ફરજિયાત કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટનો એકપણનો આવો ચુકાદો નથી તેમજ જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTIમાં પણ આ અંગે ખુલાસો થયો છે તેમ છતાં આવી કાર્યવાહી કરવા મુદ્દે તેમણે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.