Sat Jun 06 2026

Logo

કેરળનું ચોમાસું ગોવા પહોંચ્યું, જાણો ક્યા રાજ્યમાં કઈ તારિખથી શરૂ થશે ચોમાસું?

2026-06-06 17:44:56
Author: mumbai samachar team
Article Image

પણજીઃ આ વર્ષે ત્રણ દિવસ મોડું ચોમાસું કેરળમાં શરૂ થયું છે. કેરળના સમુદ્ર કિનારે આ વર્ષનું ચોમાસું મોડું પહોંચતા હવે દરેક રાજ્યમાં એપક્ષિત તારીખ કરતા મોડું ચોમાસું બેસે એવી આશા હતી, પરંતુ ચોમાસાની સમગ્ર સિસ્ટમ ભારે પવન અને વેગ સાથે આગળ વધતા ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું છે. દક્ષિણ ગોવાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. આ સમગ્ર ચોમાસું માહોલ અંગે આગાહી કરતા હવામાન વિભાગે મહત્ત્વની વાત જણાવી છે. તારીખ 6 જુને મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના દક્ષિણ પ્રાંત, તમિલનાડુંના કેટલાક જિલ્લા તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસું શરૂ થશે. શનિવારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આગામી સાત દિવસમાં કર્ણાટક, તમિલનાડું, કેરળ તથા પૂર્વ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 

ગોવા સુધી પહોંચ્યું ચોમાસું
કેરળનું ચોમાસું ત્રણ દિવસ મોડું બેઠું પણ ભારે પવન તથા મોનસુન ટ્રેગ શક્તિશાળી હોવાને કારણે દક્ષિણ ગોવા સુધી પહોંચ્યું છે.શુક્રવારે બપોર પછીના સમયમાં ગોવાના દક્ષિણ પ્રાંતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને સમગ્ર ગોવામાં એલર્ટ આપવામાં આવ્યું છે. તારીખ 6થી 12 જુન સુધીમાં પૂર્વોત્તરના રાજ્ય અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 7થી 12 જુન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ જ સમયગાળામાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે.  11 અને 12  જુને ઉત્તર ભારતના પ્રાંત એવા હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબ, 12 જુને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. 

પશ્ચિમના રાજ્યો માટે કેરળનું ચોમાસું સૌથી સારૂ
7 જુનના રોજ ચોમાસું રાજસ્થાનના પશ્ચિમ પ્રાંતમાં સક્રિય થશે. 12 જુન દરમિયાન પૂર્વ રાજસ્થાનના ભાગમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે.  11 અને 12 જુનના રોજ ઉત્તરાખંડના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે. જ્યારે ગુજરાતમાં 10 જુન આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. અરબ સાગર પરથી ચોમાસું પહેલા કેરળ પહોંચે છે, કેરળના સમુદ્રી વિસ્તારમાં અને પશ્ચિમી ઘાટ પર ચોમાસું માહોલ બંધાતા વરસાદ પડે છે. કેરળનું ચોમાસું જુનથી શરૂ થઈને સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે, જે સમગ્ર દક્ષિણ ભારતથી લઈને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને રાજસ્થાનના પશ્ચિમ જિલ્લાઓમાં વરસાદ લાવે છે. સમુદ્રની સપાટી ઠંડી રહેતા સમુદ્ર કિનારાની આસપાસ હાઈ પ્રેશર ઊભું થાય છે. આ પ્રેશર ભારે હવાના કારણે આગળ વધે છે. મોનસુન ટ્રફ વ્યવસ્થિત બંધાતા લાંબા સમય સુધી તે વરસાદ પાડે છે. 

હવામાન વિભાગની આગાહી
ડિપ ડિપ્રેશન, ડિપ્રેશન, સાયક્લોનિક સરક્યુલેશન જેવી સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદ માટે જવાબદાર હોય છે. દર વર્ષે ચોમાસું સીઝન શરૂ થવામાં ત્રણથી પાંચ દિવસનો વિલંબ થાય છે અથવા વહેલું બેસી જાય છે. ચોમાસાનો પ્રારંભ થતા ગરમીમાંથી છૂટકારો મળશે, થોડા સમય સુધી બફારો વર્તાશે એ પછી વાતાવરણ ઠંડુ થશે. આ વખતે ભારે પવન સાથે ચોમાસું આગળ વધતા ઝડપથી પશ્ચિમી રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. 5 જુનથી 15 જુન સુધીમાં પશ્ચિમના મોટા ભાગના રાજ્યોમાં ચોમાસું સીઝન વિધિવત રીતે શરૂ થશે અને વાતાવરણ ફરી ઠંડુ થઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સતત બે અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.