- ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ થઈ ગયો. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર લગીમાં સત્તાવાર રીતે સાત લોકોનાં મોત થઈ ગયાં છે ને 21 લોકો જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હોસ્પિટલમાં ભરતી છે એ જોતાં મોત ડબલ ફિગરમાં પહોંચી જાય એવી પૂરી શક્યતા છે. આ મોતનો આંકડો પણ પોલીસ તપાસમાં અપાયેલો છે, બાકી ઘરે લઠ્ઠો ઢીંચીને ઘરે જ ધબી ગયા હોય એવા પણ કેસ હશે. પોલીસે જ પોતે કહ્યું છે કે, 51 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો અને સ્થાનિક બુટલેગરો મારફતે ગામડાંમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. એક પેટીમાં 20 બોટલો ગણીએ તો પણ હજારથી વધારે બોટલો થઈ એ જોતાં પોલીસ દ્વારા અપાયેલો મોતનો આંકડો ભરોસાપાત્ર નથી.
આપણે ત્યાં હજુય દારૂ પીને કોઈ મરી જાય તેની સમાજમાં બહુ નથી તેથી પરિવારે આવી વાતો જાહેરમાં લાવવાનું પસંદ કરતો નથી. આ કારણે ઘરમાં જ ટેં થઈ ગયેલા પિયક્કડોનાં નામ બહાર ના આવ્યાં હોય એ પણ શક્ય છે. ટૂંકમાં મોતનો આંકડો પોલીસ દ્વારા અપાય છે તેના કરતાં ઘણો વધારે હોવાની પૂરી શક્યતા છે. માનો કે, આંકડો મોટો ના હોય તો પણ દારૂબંધી ધરાવતાં રાજ્યમાં ઝેરી દારૂ પીને સાત લોકો મરી જાય એ ઘટના મોટી છે જ.
આ લઠ્ઠાકાંડમાં કોમિક વાત પાછી એ છે કે, જે પોલીસની જવાબદારી દારૂબંધીનો કડક અમલ કરાવીને લોકોને દારૂ પીતાં રોકવાની છે એ પોલીસે આ દારૂ ખરીદ્યો તેમાં ઝેરી દારૂ વેચાતો હોવાનું બહાર આવ્યું. ભાવનગર જિલ્લા ખરકડી ગામનો વિજયરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતાં તેણે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી. તેમાંથી જયદીપસિંહ સિવાયના ત્રણ મિત્રોએ બહારથી લાવેલો આ ઝેરી દારૂ પીધો હતો.
દારૂ પીવાથી 18 ઓગસ્ટે ઉપેન્દ્રસિંહ ઉપર પહોંચી ગયો તેમાં ભડકેલા વિજયરાજસિંહે પોલીસને જાણ કરી એટલે પોલીસ લઠ્ઠાની શોધમાં નિકળી પડી. તેમાં ખબર પડી કે, ઉપેન્દ્રસિંહની જેમ બીજા પણ ઘણા ધબી ગયા છે. પોલીસવાળાનો મિત્ર
ના ગુજરી ગયો હોત તો કદાચ લઠ્ઠાના કારણે મરી ગયેલાં લોકો વિશે કોઈને ખબર પણ ના પડી હોત ને અંદરોઅંદર બધું પતી ગયું હોત.
ભાવનગરનો લઠ્ઠાકાંડ ગુજરાત સરકારની દારૂબંધીનો કડક અમલ કરાવવામાં નિષ્ફળતાનો વધુ એક પુરાવો છે. દારૂબંધીનો કડક અમલ થતો નથી કેમ કે આખું તંત્ર સડેલું છે. પોલીસથી માંડીને પોલિટિશિયવ સુધીનાં બધાંને દારૂબંધીના કારણે ગેરકાયદેસર રીતે વેચાતા માલમાંથી મળતી મલાઈ ખાવામાં રસ છે. દારૂ પીને યુવાઓ તબાહ થાય, સમયાંતરે આ પ્રકારના લઠ્ઠાકાંડ થાય તેના કારણે લોકો મરે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેનું કારણ એ કે, લોકોને કોઈ ફરક પડતો નથી. બીજાની વાત છોડો પણ જેમનાં સ્વજનો ઝેરી દારૂ પીને કૂતરાના મોતે મર્યાં હોય છે એ લોકો પણ કશું બોલતાં નથી કેમ કે તેમનામાં પણ પોતાનો સગલો દારૂ પીતો હતો તેનો અપરાધભાવ હોય છે.
સરકાર પણ આ વાત સમજે છે એટલે એક ચોક્કસ પેટર્નથી જ વર્તે છે. ભાવનગર જેવો લઠ્ઠાકાંડ થાય એટલે મીડિયામાં બે-ચાર દિવસ હોહા થાય, વિપક્ષો આંદોલનની ચીમકી ઉચ્ચારે પછી સરકાર સાવ પાંગળી નથી ને હાથ પર હાથ મૂકીને બેસી રહી નથી એવું સાબિત કરવા માટે બે-ચાર ટૂણિયાટ પોલીસોની બદલી કરી દેવાય. સરકારના મંત્રીઓ દ્વારા કોઈને નહીં છોડાય એ પ્રકારનાં નિવેદનો ફટકારી દેવાય એટલે પત્યું. લોકો પણ ખુશ ને મીડિયા પણ ખુશ. નવો લઠ્ઠાકાંડ થાય ત્યાં લગી કોઈ કશું બોલવાનું નથી એ સરકારને ખબર છે તેથી ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો રોકવા માટે પણ કશું કરવાની જરૂર ક્યાં છે?
ગુજરાતમાં છેલ્લા દોઢ-બે દાયકામાં બનેલા લઠ્ઠાકાંડ પર નજર નાખશો તો આ વાત સમજાશે. 2009માં અમદાવાદના ઓઢવ, બાપુનગર અને કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 140થી વધુનાં મોત થયાં હતાં અને 200થી વધુ લોકોએ આંખો ગુમાવી હતી. હવે આટલી મોટી સંખ્યામાં લોકો મરે કે અંધાપો આવે પછી તો તંત્રે પૂરી તાકાતથી તૂટી પડીને આખા નેટવર્કને છિન્નભિન્ન કરી નાખવાનું હોય પણ એવું થયું નથી. એ વખતે થોડી હોહા થઈ પણ નેટવર્ક તો રહ્યું જ તેથી સમયાંતરે લઠ્ઠાકાંડ થયા જ કરે છે. સુરતમાં સપ્ટેમ્બર 2016માં ઝેરી દારૂ પીવાથી 16નાં મોત થયાં હતાં. એ પછી 2022માં બોટાદના બરવાળા અને રાણપુર તાલુકાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લાં છ વર્ષથી તો ક્યાંક ને ક્યાંક લઠ્ઠાકાંડ થાય જ છે. 2024ના
જાન્યુઆરીમાં દહેગામના લીહોડા ગામમાં લઠ્ઠાકાંડ થયેલો જ્યારે 2025ના ફેબ્રુઆરીમાં નડિયાદના જવાહર નગરમાં ઝેરી દારૂથી લોકો મરેલા. હવે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થઈ ગયા. સરકાર તૂટી પડે તો સમયાંતરે આવા કાંડ થાય ખરા ?
ભાવનગરના લઠ્ઠાંકાંડે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ બનાવવાનો ધંધો કુટિર ઉદ્યોગ ના રહેતાં એક વેલ ઓર્ગેનાઈઝ્ડ ઈન્ડસ્ટ્રી બની ગઈ છે એ પણ સાબિત કર્યું છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે ભાવનગરમાં બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવીને તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ રિપોર્ટ પ્રમાણે, ઝેરી દારૂની અસર થઈ હોય એવા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59 ટકા જેટલું મિથેનોલ મળી આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં મિથેનોલ ભાવનગર આવી ગયું કઈ રીતે ? મજબૂત નેટવર્ક વિના એ શક્ય નથી.
અમદાવાદના સરખેજથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ વગેરે ભાવનગર પહોંચી ગયાં ને રસ્તામાં કોઈએ રોક્યાં નહીં તેનો મતલબ એ જ થયો કે, પોલીસ ને પોલિટિશિયનની રહેમનજર હેઠળ બધું ચાલતું હશે. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજજૈનથી કીક વાગે એવો દારૂ બનાવવાના એક્સપર્ટ નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના વ્યક્તિને બોલાવાયો હતો. આ માણસે ખિચડી તો બનાવવાની હતી નહીં કે અડધા કલાકમાં બધું તૈયાર થઈ જાય. કેમિકલ મિક્સ કરીને દારૂ બનાવાય પછી બોટલમાં ભરાય, ઢાંકણાં લગાવાય, સ્ટીકર લગાવાય એ બધાં કામમાં માણસો પણ જોતરવા પડે ને સમય પણ લાગે. પોલીસની મહેરબાની વિના આ બધું ચાલતું હોય એ શક્ય જ નથી.
ગુજરાતમાં દારૂબંધી માટે કડક કાયદા છે પણ તેનો અમલ થતો નથી એ સ્પષ્ટ છે. આ અમલ નથી થતો કેમ કે ગેરકાયદેસર દારૂના ધંધામાં અબજોની કમાણી છે. આ કમાણીમાં બધાંની ભાગબટાઈ છે તેથી દારૂબંધી કાગળ પર જ રહી ગઈ છે. શરમ સાથે સ્વીકારવું પડે છે કે, આ સ્થિતિ કોઈ બદલી શકે તેમ નથી.