Sat Jun 06 2026

Logo

Monsoon Science: દેશમાં ગમે ત્યાંથી ચોમાસું કેમ શરૂ નથી થતું? જાણો દર વર્ષે કેરળના દરિયાકાંઠે જ કેમ થાય છે પહેલો વરસાદ

2026-06-06 17:50:21
Author: Darshana Visaria
Article Image

Gemini Ai Generated Image


ભારતમાં હવે મોન્સૂનના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. અનેક રાજ્યોમાં આ સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો દિલ્હી-એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. આ આકરી ગરમી વચ્ચે દર વર્ષે એક સવાલ દરેકના મનમાં થાય છે કે, આખરે દેશમાં ચોમાસું સૌથી પહેલા કેરળમાં જ કેમ પહોંચે છે? શું એવી કઈ કુદરતી વ્યવસ્થા છે જે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોને સૌથી પહેલાં દક્ષિણ ભારત તરફ ખેંચી લાવે છે? ચાલો આજે આ સ્ટોરીમાં તમને જણાવીએ...

વાસ્તવમાં, ચોમાસું એ માત્ર વરસાદનું નામ નથી, પરંતુ તે પવનોની દિશા, તાપમાન અને હવાના દબાણમાં થતા વૈશ્વિક ફેરફારોનું પરિણામ છે અને વાત કરીએ કેરળ જ કેમ બને છે ચોમાસાનો પહેલો પડાવ એની તો દર વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સૌથી પહેલા કેરળના દરિયાકાંઠે પહોંચે છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ કેરળની ભૌગોલિક સ્થિતિ છે. 

કેરળ અરબી સમુદ્રના કિનારે આવેલું છે. સમુદ્ર પરથી ફૂંકાતા ભેજવાળા પવનો અને ચોમાસાની અરબી સમુદ્રની શાખા સૌથી પહેલા કેરળના તટ સાથે જ ટકરાય છે. સમુદ્રમાંથી આવતી આ ભેજવાળી હવા કેરળના વાતાવરણને ઝડપથી ભેજવાળું બનાવી દે છે અને અહીં વરસાદની શરૂઆત થાય છે. હવામાન વૈજ્ઞાનિકો પણ દેશમાં ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કેરળની સ્થિતિ જોઈને જ કરે છે.

કેરળની પૂર્વમાં આવેલા ઊંચા પહાડો એટલે કે પશ્ચિમી ઘાટ ચોમાસાના પવનોને વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. સમુદ્ર પરથી આવતી ભેજવાળી હવા જ્યારે આ ઊંચા પર્વતો સાથે ભટકાય છે, ત્યારે તે ઉપર ચઢવા લાગે છે. જેમ-જેમ હવા ઊંચાઈ પર જાય છે, તેમ તે ઠંડી થાય છે અને ઘનીકરણની પ્રક્રિયાથી કાળાડિબાંગ વાદળો બંધાય છે. આ ભૌગોલિક પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં 'ઓરોગ્રાફિક વર્ષા' કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કેરળ અને કર્ણાટકના પશ્ચિમ તટીય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થતાં જ અત્યંત ભારે વરસાદ જોવા મળે છે.

વરસાદનું મૂળ કારણ માત્ર વાદળો નથી, પરંતુ પૃથ્વીની સપાટી પર હવાના દબાણ અને તાપમાન વચ્ચેનો તફાવત છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, થારનું રણ અને ગંગાના મેદાનો અતિશય ગરમ થઈ જાય છે. ગરમ હવા હલકી હોવાને કારણે ઉપર તરફ ઉઠવા લાગે છે. જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે જમીનની સપાટી નજીક હવાનું દબાણ ઘટી જાય છે, જેને લો-પ્રેશર કહેવાય છે. ઉનાળાના અંતમાં ઉત્તર ભારત પર એક વિશાળ લો-પ્રેશર એરિયા તૈયાર થાય છે. જમીનની સરખામણીએ સમુદ્રનું પાણી ધીમે-ધીમે ગરમ થાય છે, તેથી ઉનાળામાં પણ સમુદ્રની સપાટી પર હવાનું દબાણ વધારે એટલે કે 'હાઈ-પ્રેશર' હોય છે.

વિજ્ઞાનના નિયમ મુજબ, હવા હંમેશા હાઈ-પ્રેશરથી લો-પ્રેશર તરફ ગતિ કરે છે. આથી, સમુદ્રના હાઈ-પ્રેશર વિસ્તારમાંથી ભારે પવનો ભારતના મેદાની ભાગોની લો-પ્રેશર સિસ્ટમ તરફ તેજીથી દોડે છે અને પોતાની સાથે અઢળક ભેજ લાવે છે. દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા આ પવનો જ્યારે વિષુવવૃત્ત પાર કરે છે, ત્યારે પૃથ્વીની ધૂર્ણન ગતિને કારણે તેમની દિશા બદલાઈ જાય છે. ભારત પહોંચતા સુધીમાં આ પવનો દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાવા લાગે છે, તેથી તેને 'દક્ષિણ-પશ્ચિમ ચોમાસું' કહેવામાં આવે છે.

ભારતમાં કેટલા પ્રકારના ચોમાસા હોય છે?

હવે આગળ વધીએ અને જાણીએ કે આખરે ચોમાસા કેટલા પ્રકારના હોય છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની મોન્સૂન સિસ્ટમ સક્રિય હોય છે. 

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું: આ મુખ્ય ચોમાસું છે જે જૂનથી સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે અને દેશનો 80 ટકા વરસાદ આનાથી જ થાય છે. તેની બે શાખાઓ છે. અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા.

ઉત્તર-પૂર્વીય ચોમાસું: ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે જ્યારે ચોમાસું પાછું ફરે છે, ત્યારે તેનાથી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં સારો વરસાદ થાય છે.

ચોમાસું કેમ છે દેશની જીવાદોરી?

ચોમાસું માત્ર હવામાન જ નથી બદલતું, પણ ભારત જેવા કૃષિપ્રધાન દેશની આખી અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરે છે. ભારતમાં ખરીફ પાકની વાવણી સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધારિત છે. સમયસર વરસાદ થવાથી ખેડૂતોને સમૃદ્ધિ મળે છે અને દેશના જળાશયો, ડેમો તેમજ ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થાય છે. જોકે, કેટલીકવાર અતિવૃષ્ટિને કારણે શહેરોમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ પણ સર્જાય છે, છતાં ભારત માટે ચોમાસુ દેશની સાચી જીવનરેખા ગણાય છે.