હેલસિંકીઃ આપણે બધા આપણા ઘરોમાં રોજિંદો કચરો ફેંકવા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એવા ડસ્ટબિન વિશે સાંભળ્યું છે જ્યાં ખતરનાક પરમાણુ કચરો (Nuclear Waste) ફેંકવામાં આવશે? વૈજ્ઞાનિકો હવે દુનિયાનું આવું પહેલું કાયમી પરમાણુ ડસ્ટબિન બનાવવાના ખૂબ જ નજીક પહોંચી ગયા છે. આ ડસ્ટબિનમાં રેડિયોએક્ટિવ કચરાને નાખ્યા બાદ તેને આગામી 01 લાખ વર્ષ સુધી માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે.
ક્યાં આવેલું છે આ પરમાણુ ડસ્ટબિન?
આ લાંબી અવધિ દરમિયાન ધીમે-ધીમે ક્ષરણ થવાને કારણે આ ખતરનાક રેડિયોએક્ટિવ પદાર્થ એ જ સામાન્ય સ્થિતિમાં આવી જશે, જે સ્થિતિમાં જમીનની અંદર રહેલું કુદરતી યુરેનિયમ અયસ્ક (Uranium Ore) હોય છે. દુનિયાનું આ અનોખું પરમાણુ ડસ્ટબિન દક્ષિણ-પશ્ચિમ ફિનલેન્ડના યૂરાજોકી (Eurajoki) સ્થિત ગાઢ જંગલોમાં જમીનની સપાટીથી 433 મીટરની ઊંડાઈએ બનાવવામાં આવ્યું છે. અહીં અબજો વર્ષ જૂની મજબૂત ખડકોને કાપીને વિશાળ ભોંયરા અને ટનલ (સુરૂંગો) તૈયાર કરવામાં આવી છે.
વર્ષો જૂની વૈશ્વિક સમસ્યાનો કાયમી ઉકેલ
આ પ્રોજેક્ટને 'ઓનકાલો' (Onkalo) નામ આપવામાં આવ્યું છે, જેનો સ્થાનિક ભાષામાં અર્થ નાની ગુફા કે ખાડો થાય છે. અહીં દાયકાઓથી પરમાણુ વીજળી બનાવ્યા બાદ વધેલા અત્યંત જોખમી રેડિયોએક્ટિવ કચરાને કાયમ માટે દફનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દુનિયાભરમાં આવેલા તમામ પરમાણુ પાવર પ્લાન્ટ્સમાંથી એવો કચરો નીકળે છે જે હજારો વર્ષો સુધી ઘાતક કિરણોત્સર્ગ ફેલાવતો રહે છે. 1950-60ના દાયકામાં જ્યારે દુનિયામાં પરમાણુ પ્લાન્ટ્સ શરૂ થયા, ત્યારથી તમામ દેશો આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો તે મોટી સમસ્યાથી ઝૂઝી રહ્યા છે.
અત્યાર સુધી આ કચરાના મોટા ભાગને ઠંડો રાખવા માટે કામચલાઉ ધોરણે પાણીના વિશાળ કુંડમાં રાખવામાં આવે છે, જે લાંબા ગાળાનો કે સુરક્ષિત ઉકેલ નથી. વધુ વિગતે વાત કરવામાં આવે તો, 1.9 અબજ વર્ષ જૂની મજબૂત ચટ્ટાનોની વચ્ચે બનેલું આ કેન્દ્ર વિશ્વનું પ્રથમ એવું કાયમી વૈજ્ઞાનિક ડસ્ટબિન બનશે જે આ કચરાને હંમેશા માટે પૃથ્વીના પેટાળમાં સુરક્ષિત રાખશે. ફિનલેન્ડની પરમાણુ સુરક્ષા એજન્સી આ મહિનાના અંત સુધીમાં આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપી દેશે, જે પછી તેને ઓપરેટ કરવાનું લાયસન્સ મળી જશે.
કઈ ટેક્નોલોજીથી કચરો સીલ કરાશે?
જમીનની ઉપર પરમાણુ કચરાના સળિયા (Nuclear Rods) ને સૌપ્રથમ તાંબાના બનેલા જાડા અને કાટ ન લાગે તેવા (Corrosion-resistant) મજબૂત કન્ટેનરોમાં બંધ કરવામાં આવશે. તાંબાના નળાકાર ડિબ્બાઓને 433 મીટર નીચે ટનલ સુધી પહોંચાડવામાં આવશે. ટનલના તળિયે ખાસ ખોદવામાં આવેલા ઊંડા હોલની અંદર આ ડિબ્બાઓ ગોઠવી દેવાશે. આ છેદને 'બેંટોનાઇટ' (Bentonite) નામની ખાસ ચીકણી માટીથી ભરી દેવામાં આવશે. આ એક એવું કુદરતી ખનિજ છે જે ભેજ અથવા પાણીના સંપર્કમાં આવતાની સાથે જ ફૂલી જાય છે અને પથ્થર જેવી મજબૂત વોટરપ્રૂફ સીલ બનાવી દે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પરમાણું ડસ્ટપબિન 6500 ટન યુરેનિયમ કચરો રાખી શકે તેટલી તેની ક્ષમતા છે. આ ડસ્ટબિન ફિનલેન્ડને આગામી સદીઓ સુધી પરમાણુ કચરાના જોખમથી મુક્ત રાખશે.