Sat Jun 06 2026

Logo

અમેરિકામાં ભારતીય-અમેરિકન દંપતીનો ડંકો! હ્યુસ્ટનને આપ્યું કરોડોનું દાન, જાણીને ગર્વ થશે!

2026-06-05 21:25:01
Author: Mumbai Samachar Team
Article Image

હ્યુસ્ટનઃ અમેરિકામાં એક જાણીતા ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક દંપતીએ ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં તબીબી સેવાઓનો વિસ્તાર કરવા માટે ૫.૫ મિલિયન ડોલરનું દાન કર્યું છે.

બ્રિજ અગ્રવાલ અને તેમના પત્ની સુનીતા અગ્રવાલનું આ દાન સેન્ટ લ્યૂક હેલ્થ-સુગર લેન્ડ હોસ્પિટલના ક્લિનિકલ પ્રોગ્રામને મદદ કરશે. તેમજ પ્રાથમિક હેલ્થકેરની મર્યાદિત પહોંચ ધરાવતા શહેરમાં પ્રાયમરી કેર કમ્યુનિટી ક્લિનિક બનાવવામાં મદદ કરશે.

હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દાન હોસ્પિટલના ઇતિહાસમાં સૌથી મોટું વ્યક્તિગત દાન છે. સુગર લેન્ડમાં લાંબા સમયથી રહેતા આ દંપતીએ બિઝનેસમાં સફળતાની સાથે સાથે હેલ્થકેર, શિક્ષણ અને સમુદાય વિકાસના ક્ષેત્રમાં સમાજ સેવાનું કામ પણ કર્યું છે. છત્તીસગઢના વતની બ્રિજ અગ્રવાલ વર્ષ ૧૯૭૯માં હ્યુસ્ટન ગયા હતા. તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

અગ્રવાલ પરિવારે અગાઉ વર્ષ ૨૦૨૨માં સુગર લેન્ડ ખાતે યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનને ઉત્પાદન શિક્ષણ અને સંશોધન સુવિધાઓને સમર્થન આપવા માટે એક મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. 

અગાઉ પરિવારે હ્યુસ્ટન મેથોડિસ્ટ સુગર લેન્ડ હોસ્પિટલમાં હેલ્થકેર સંબંધિત પહેલોમાં પણ યોગદાન આપ્યું હતું. આ અંગે સુનિતા અગ્રવાલે જણાવ્યું કે આ યોગદાન તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સમુદાય પ્રત્યે પરિવારની કૃતજ્ઞતા દર્શાવે છે.