Mon Sep 07 2026

Logo

અમદાવાદમાં યોગાસનની વિશ્વ સ્પર્ધામાં ભારતનો `સુવર્ણ દિન'

2026-06-05 22:09:00
Author: Ajay Motiwala
અમદાવાદમાં યોગાસનની વિશ્વ સ્પર્ધામાં ભારતનો `સુવર્ણ દિન'

પહેલા છમાંથી પાંચ ગોલ્ડ મેડલ ભારતીયોએ જીત્યાઃ 

અમદાવાદઃ અહીં આયોજિત સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ (Gold Medal) પર કબજો કર્યો હતો. શુક્રવારના `પર્યાવરણ દિને' ભારતે `સુવર્ણ દિન' ઉજવ્યો હતો. પરંપરાગત યોગાસન વર્ગમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન (સિનિયર મેલ કૅટેગરી) અને રિતુ મોન્ડલ (સિનિયર ફીમેલ)એ સુવર્ણચંદ્રક જીતીને ભારતને 70થી વધુ દેશોના 500થી વધુ ઍથ્લીટો વચ્ચે જોરદાર આરંભ અપાવ્યો હતો. ભારતના 122 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)માં એકા અરીનામાં આયોજિત યોગાસન (Yogasan)ની સૌપ્રથમ વિશ્વ સ્પર્ધામાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર અભય બર્મને 63.42 પૉઇન્ટ સાથે પ્રથમ આવીને સૌને ચોંકાવી દીધા હતા. સિલ્વર જીતનાર બીજા નંબરનો ઇન્ડોનેશિયાનો અર્કન રિયાન્તો (57.23 પૉઇન્ટ) તેનાથી ઘણો પાછળ હતો. બ્રૉન્ઝ મેડલ ઉઝબેકિસ્તાનના ઍલન (53.21 પૉઇન્ટ)એ મેળવ્યો હતો.

અભય બર્મને ચૅમ્પિયનશિપનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું, `અહીંના ઉત્સાહિત પ્રેક્ષકો અને સપોર્ટરોની હાજરીમાં હું ભારતને પ્રથમ અને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવી શક્યો એ બદલ ગર્વ અનુભવું છું.'

મહિલાઓમાં રિતુ મોન્ડલે 64.33 પૉઇન્ટ સાથે ગોલ્ડ જીતી લીધો હતો. કઝાખસ્તાનની ઐઝાન (58.97) બીજા નંબરે અને ચીનના તાબા હેઠળના હૉન્ગકૉન્ગની લૅમ ઍન્ગા માન (56.98) ત્રીજા નંબરે રહી હતી.

ભારત એકમાત્ર સિનિયર `એ' મેલ કૅટેગરીમાં ગોલ્ડ નહોતું જીતી શક્યું. એમાં સિંગાપોરના નૅથનીલ લીઑન્ગ ઍને 55.37 પૉઇન્ટ સાથે ગોલ્ડ મેળવ્યો હતો. તાન્ઝાનિયાનો કરિમુ (54.99) સિલ્વર અને ભારતનો સુમિર ગ્નાવલી (54.00) બ્રૉન્ઝ જીત્યો હતો. ભારતના અન્ય ગોલ્ડ મેડલ વિજેતાઓમાં રિતુ ઠાકુર, રોશન થાપા અને જ્યોતિ દેઉરકર (ટ્વિસ્ટિંગ બૉડી કૅટેગરી)નો સમાવેશ હતો.