નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર હાલ પૂરતો કોરાણે મૂકાયો છે. દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની)માં અમેરિકા અને ઈરાન ફરી સામસામે આવી ગયા છે. તાજેતરના સંઘર્ષને લઈને બંને દેશો તરફથી પોતપોતાના દાવા કરવામાં આવી રહ્યા છે.
ઈરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, ઈરાને હોર્મુઝ પાસે 'ચેતવણી'ના ભાગરૂપે કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એજન્સીનો દાવો છે કે અમેરિકી નૌકાદળના જહાજોની તૈનાતીમાં કંઈક હલચલ જોવા મળી હતી, જેના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું. બીજી તરફ, એક અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ તરફ કેટલાય ડ્રોન છોડ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે.
ઇરાની રડાર સાઇટ્સ પર અમેરિકાનો હુમલો
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, 'અમેરિકી સેનાએ આજે ઈરાનના ચાર હુમલાખોર ડ્રોનને તોડી પાડ્યા બાદ ઈરાનમાં "તટીય દેખરેખ રડાર સાઇટ્સ" (coastal surveillance radar sites) પર હુમલો કર્યો છે.'
વધુમાં એજન્સીએ જણાવ્યું કે, 'હુમલાખોર ડ્રોન્સે પ્રાદેશિક દરિયાઈ વાહનવ્યવહાર (ટ્રાફિક) માટે જોખમ ઊભું કર્યું હતું. અમેરિકી સેનાએ ભવિષ્યના હુમલાઓથી બચવા માટે ગોરુક અને કેશમ ટાપુ પર આવેલા ઈરાની તટીય દેખરેખ રડાર સાઇટ્સ પર હુમલો કર્યો.'
અમેરિકી સેનાએ વધુમાં ઉમેર્યું કે, આત્મરક્ષણ માટે ઈરાનની આક્રમકતાનો જવાબ આપવાનું ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ, ઈરાની મીડિયાએ બંદર અબ્બાસમાં હુમલા થવાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
ટ્રમ્પે કહ્યું- ઈરાન પાસે હવે માત્ર 21-22% જ મિસાઈલ બચી છે
તાજેતરની ઘટનાના થોડા સમય પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાન પાસે હવે માત્ર 21-22% જ મિસાઈલ બચી છે.
આ હુમલાઓને કારણે યુદ્ધવિરામ તૂટવાની નવી ચિંતાઓ ઊભી થઈ હોવા છતાં, ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને પૂરો વિશ્વાસ છે કે તેમનું વહીવટીતંત્ર આ સંઘર્ષને સફળતાપૂર્વક સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, 'આપણે કોઈને કોઈ રીતે જીતીશું.'
બીજી તરફ ઈઝરાયેલ અને લેબેનાન વચ્ચે પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે લેબેનાન સરકાર અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર થઈ ગયો છે, પરંતુ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથે આ કરારનો અસ્વીકાર કર્યો છે અને બંને પક્ષોએ ફરી નવા હુમલા શરૂ કરી દીધા છે.