Sat Jun 06 2026

Logo

"આજનો વિરોધ તો માત્ર ટ્રેલર હતો...": 5 વાગ્યાની ડેડલાઇન પૂર્ણ થયા બાદ અભિજીત દીપકેનું મોટું નિવેદન

2026-06-06 18:27:08
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાથી ભારત આવેલા CJP ના સ્થાપક અભિજીત દીપકેએ તેમના સેંકડો સમર્થકો સાથે ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકેએ આક્રમક વલણ અપનાવતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે સરકારને સાંજે 5 વાગ્યા સુધીની ડેડલાઇન આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો શિક્ષણ પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ આવતા શનિવારે ફરી જંતર-મંતર પર પ્રદર્શન કરશે. જોકે, તેમની આ ચેતવણીની કોઈ અસર જોવા મળી ન હતી અને શિક્ષણ પ્રધાનના રાજીનામા વિના જ સાંજે 5 વાગ્યાની ડેડલાઇન સમાપ્ત થઈ ગઈ હતી.

આજની ડેડલાઇન પૂર્ણ થયા બાદ CJP ના સ્થાપક અભિજીત દીપકેએ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મારા માતા-પિતાને મળવા ઘરે જઈ રહ્યો છું, મને છેલ્લે તેમને મળ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં તેઓએ ઘણું સહન કર્યું છે અને ધમકીઓને કારણે તેમને ઘર છોડવું પડ્યું છે. હું તેમને ઘરે પાછા લઈ જઈશ. જો કે આ સાથે જ તેમણે સ્પષ્ટ સંકેતો આપતા કહ્યું તું કે તમારી માહિતી માટે, આજનો વિરોધ ફક્ત એક ટ્રેલર હતો. આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભાર."

જંતર-મંતર પરથી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે છેલ્લા 10-12 વર્ષથી લોકોને હિંદુ-મુસ્લિમની રાજનીતિમાં ફસાવી રાખવામાં આવ્યા છે, પરંતુ તેનાથી કોઈને રોજગારી મળી નથી. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન અને જુલૂસ કાઢવાથી એ સાબિત થાય છે કે આપણે જીવંત છીએ. સરકાર ભલે આપણને કોકરોચ સમજે, પરંતુ આપણે આપણા હકની લડાઈ લડવા માટે સક્ષમ છીએ. દીપકેએ સ્પષ્ટ કર્યું કે તેમનો એકમાત્ર એજન્ડા ભારતીય શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવા બદલ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવવાનો છે, અને તેમણે લોકોને ધ્યાન ભટકાવનારી ચાલમાં ન ફસાવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોકરોચ પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે આ વિરોધ પ્રદર્શન માટે આજે સવારે 7:30 વાગ્યે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે આ મહિનાની શરૂઆતમાં જ પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. દિલ્હી પોલીસ દ્વારા તેમને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે જંતર-મંતરની બંને તરફ બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે હજારોની સંખ્યામાં પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.