Thu Jun 04 2026

Logo

આયાત ઘટાડવા અને ઉત્પાદન વધારવા સરકારે છ ક્ષેત્ર આધારિત ગ્રૂપની રચના કરી

2026-06-04 19:39:18
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સરકારે ક્ષેત્ર આધારિત છ કાર્યકારી જૂથની રચના કરી છે, જે અંદાજે 100 એવા ઉત્પાદનો ઓળખી કાઢશે જેનું સ્થાનિકમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય અને આયાત નિર્ભરતા ઘટાડી શકાય, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અર્થાત્‌‍ આ જૂથનો મુખ્ય ઉદ્દેશ આ ઉત્પાદનોનું સ્વદેશીકરણ કરવાનો છે. 

આ જૂથ ચીજોના ઉપયોગ અંગે ચર્ચા કરશે અને તે ચીજોની એક યાદી તૈયાર કરશે, જે કેબિનેટ સચિવને ત્રણ સપ્તાહમાં સુપરત કરશે. આ છ જૂથમાં ફાર્માસ્યુટિકલ, બાયોટેક અને મેડિકલ ડિવાઈસીસ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સ્ટાઈલ અને ફૂટવૅર, કેપિટલ ગૂડ્સ, ઑટોમેટિવ અને ઈલેક્ટ્રિક વાહન, એડવાન્સ કેપિટલ ગૂડ્સ, એનર્જી, બાંધકામ ઈક્વિપમેન્ટ્સ અને માળખાકીય તથા સંરક્ષણ અને એરોસ્પેસ (માત્ર નાગરીકને લગતી ચીજો) અને ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. 

જૂથનાં સભ્યોમાં જુદા જુદા મંત્રાલયો અને તેના વિભાગોના સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં ડીપીઆઈઆઈટી, નીતી આયોગ, ફાર્માસ્યુટિકલ, આર્થિક બાબતો, સાયન્સ અને ટેક્નોલૉજી, આઈટી, રોડ ટ્રાન્સપોર્ટ, નવી અને રિન્યુએબલ એનર્જી તથા ઓઈલ ક્ષેત્રનો સમાવેશ થાય છે. તેમ જ ગ્રૂપના અધ્યક્ષપદે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઈન્ડસ્ટ્રી અને ટ્રેડનાં સચિવ રહેશે. 

આ ગ્રૂપ એવાં ઉત્પાદનો ઓળખી કાઢશે જેનું ભારતનું ઉત્પાદન નથી થતું અથવા તો આવશ્યકતા કરતાં ઓછી માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ આવાં ઉત્પાદનો અથવા ચીજોનું સ્થાનિક તથા નિકાસ માટે ઉત્પાદન વધારી શકાય. તેમ જ ઉત્પાદન વધતાં દેશનાં મહામૂલા વિદેશી હૂંડિયામણની બચત થાય અને આયાતને કારણે ભારતીય ચલણ પર તેની માઠી અસર ઓછી થાય. નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની આયાત સાત ટકા વધીને 775 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી. 

ગત નાણાકીય વર્ષમાં થયેલી મુખ્ય આયાતી ચીજોમાં ક્રૂડતેલ (174 અબજ ડૉલર), વનસ્પતિ તેલ (19.5 અબજ ડૉલર) ફર્ટિલાઈઝર (16 અબજ ડૉલર), ઑર અને મિનરલ્સ (14.2 અબજ ડૉલર), કૉલ, કૉક અને બ્રિક્વેટ્સ (27.9 અબજ ડૉલર), રસાયણ (અંદાજે 28 અબજ ડૉલર), આર્ટિફિશિયલ રેઝિન્સ, પ્લાસ્ટિક મટિરિયલ (22.75 અબજ ડૉલર), મશીનરી (61.73 અબજ ડૉલર), ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટ્સ (34.75 અબજ ડૉલર) અને ઈલેક્ટ્રોનિક સામાનો (116.2 અબજ ડૉલર)નો સમાવેશ થાય છે.