Sat Sep 05 2026

Logo

રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર પુતિન તૈયાર, ઝેલેન્સકીએ પત્ર લખીને કરી આ મોટી માંગ

Saint Petersburg   2026-06-05 20:59:36
Author: Mumbai Samachar Team
રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર પુતિન તૈયાર, ઝેલેન્સકીએ પત્ર લખીને કરી આ મોટી માંગ

ChatGTP Ai Generated Image


સેન્ટ પીટર્સબર્ગઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આખરે બંને પક્ષે મહત્વના સંકેતો મળ્યા છે. જો યુક્રેન સમાધાન કરવા તૈયાર હોય તો રશિયા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ હેઠળ શાંતિ કરાર માટે તૈયાર છે, એમ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું.

વિશ્વની અગ્રણી સમાચાર એજન્સીઓના વડાઓ સાથેની વાતચીતમાં પુતિને જણાવ્યું કે મોસ્કો યુક્રેનના ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે તેની હવાઇ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવી રહ્યું છે. તેમજ તેમણે ભારપૂર્વક કહ્યું કે રશિયન સેના યુદ્ધના મેદાનમાં હાવી છે.

આ જ ઘટનાક્રમમાં યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ પુતિનને લખેલા એક ખુલ્લા પત્રમાં યુદ્ધનો શાંતિપૂર્ણ અંત લાવવા માટે તેમની અને રશિયન પ્રમુખ વચ્ચે રૂબરૂ મુલાકાતની હાકલ કરી હતી. 

ઝેલેન્સકીએ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો માટે સંપૂર્ણ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે તેમ જ તર્ક આપ્યો છે કે શાંતિ માત્ર યુક્રેન અને રશિયા વચ્ચે સીધી વાતચીત દ્વારા જ આવી શકશે. આ બાજુ ક્રેમલિને પત્ર મળ્યો હોવાની વાત સ્વીકારી છે.

પ્રમુખ પુતિને પ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે યુક્રેન સાથે શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા તૈયાર છીએ. અલાસ્કાના એન્કોરેજમાં પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠકમાં અમે જે ચર્ચા કરી હતી, તેના આધારે યુક્રેન સાથે સમાધાન કરવા તૈયાર અને ઇચ્છુક છીએ.