Mon Sep 07 2026

Logo

માનવ સુથાર કાઉન્ટીના કમબૅકમાં છવાઈ ગયોઃ સાત વિકેટ લીધી!

Southampton   2026-09-05 16:59:13
Author: Ajay Motiwala
માનવ સુથાર કાઉન્ટીના કમબૅકમાં છવાઈ ગયોઃ સાત વિકેટ લીધી!

સધમ્પ્ટન (ઇંગ્લૅન્ડ): તાજેતરમાં શ્રીલંકાના ટેસ્ટ-પ્રવાસમાં ભારત અને શ્રીલંકાના તમામ બોલર્સમાં સૌથી વધુ 16 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે ઇંગ્લૅન્ડની કાઉન્ટી-ક્રિકેટમાં અઢી મહિના બાદ કમબૅક કર્યું અને આવતાંવેંત છવાઈ ગયો. તેણે વૉરવિકશર વતી રમીને બે દાવમાં હૅમ્પશરની કુલ સાત વિકેટ લીધી હતી જેને લીધે હૅમ્પશરની ટીમ એક દાવ અને 129 રનથી હારી ગઈ હતી. માનવ આ પહેલાં જૂનમાં રમ્યો હતો અને ત્યાર બાદ ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સફળ ડેબ્યૂ કર્યુ હતું.

વૉરવિકશરે રૉબ યેટ્સ નામના ઓપનરની સેન્ચુરી (109 રન)ની મદદથી 398 રન બનાવ્યા હતા. હૅમ્પશર (Hampshire)ની ઇનિંગ્સ શરૂ થયા બાદ થોડી જ વારમાં માનવ (Manav) ત્રાટક્યો હતો અને ઓપનર નિક ગબિન્સ (બાવીસ રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.

માનવે એ દાવમાં 42 રનમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. એથન બૅમ્બર અને ઑલિવર હૅનન-ડૉલ્બીએ પણ ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે આતંરાષ્ટ્રીય પેસ બોલર ક્રિસ વૉક્સને એક વિકેટ મળી હતી.

હૅમ્પશરની ટીમ ફક્ત 115 રનમાં ઑલઆઉટ થઈ જતાં એણે ફૉલો-ઑન થવું પડ્યું હતું. બીજા દાવમાં માનવે વધુ અસરદાર પર્ફોર્મ કર્યું હતું અને બાવન રનમાં ચાર વિકેટ લીધી હતી. ક્રિસ વૉક્સને અને ઑલિવરને બે-બે વિકેટ મળી હતી.

માનવ આખી મૅચમાં છવાઈ ગયો હતો. હૅમ્પશરની ટીમ બીજા દાવમાં 154 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. વૉરવિકશરને આ જીત બદલ બાવીસ પૉઇન્ટ અને હૅમ્પશરને બે પૉઇન્ટ મળ્યા હતા.