ગુવાહાટી/નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત આગરકરની ચીફ સિલેક્ટર તરીકેની મુદત ચોથી ઑક્ટોબર સુધીની છે, પરંતુ એ પહેલાં જ તેમના સ્થાને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને એ મોટી જવાબદારી સોંપવામાં આવી રહી હોવાનું મનાય છે.
ભારતના વન-ડે ખેલાડીઓ હાલમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મૅચની સીરિઝ રમી રહ્યા છે જેમાં ભારત 1-0થી આગળ છે અને બીજી વન-ડે આજે (બપોરે 2.00 વાગ્યાથી) ગુવાહાટીમાં રમાશે.
મંગળવારે ગુવાહાટી (Guwahati)માં હેડ-કોચ ગૌતમ ગંભીરે સિલેક્શન (Selection) કમિટી સાથે મીટિંગ રાખી હતી, પણ એમાં ચીફ સિલેકટર અજિત આગરકર હાજર નહોતા. ગંભીરે ન્યૂ ઝીલૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટે ટીમ નક્કી કરવા વિશે જે ચાર સિલેક્ટર સાથે લાંબી ચર્ચા કરી એમાં શિવ સુંદર દાસ, અજય રાત્રા, આર. પી. સિંહ અને 24 ટેસ્ટ રમી ચૂકેલા પ્રજ્ઞાન ઓઝા (Pragyan Ojha)નો સમાવેશ હતો.

આ ચાર સિલેક્ટરોમાંથી પ્રજ્ઞાન ઓઝાને હવે કાર્યકારી ધોરણે ચીફ સિલેકટર તરીકેનો હોદ્દો સંભાળી લેવા કહેવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ચીફ સિલેક્ટર તરીકેનો હોદ્દો સત્તાવાર રીતે પ્રજ્ઞાન ઓઝાને જ સોંપી દેવામાં આવશે. આગરકરે થોડા દિવસ પહેલાં જ બીસીસીઆઇને જણાવી દીધું હતું કે તેઓ હવે મુદત લંબાવવા માટે અરજી કરવા નથી માગતા.
આ મહત્ત્વના હોદ્દાના એક દાવેદાર તરીકે અમદાવાદનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ પણ હતો. જોકે પ્રજ્ઞાન ઓઝા પર કળશ ઢોળવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.
ન્યૂ ઝીલૅન્ડની લાંબી ટૂરમાં ભારતીય ખેલાડીઓ આગામી 22મી ઑક્ટોબરથી 27મી નવેમ્બર દરમ્યાન પાંચ ટી-20, પાંચ વન-ડે તેમ જ બે ટેસ્ટ મૅચ રમશે.