(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નૈસર્ગિક જળાશયોમાં ગણેશમૂર્તિઓના વિસર્જનને કારણે થતા પર્યાવરણના નુકસાનને ઓછું કરવાની દૃષ્ટિએ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળ વિસર્જન પર ભાર આપવામાં આવ્યો હતો. આ માટે મુંબઈમાં વિવિધ સ્થળે 383 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આનંદના સમાચાર એટલે મુંબઈના ગણેશભક્તો 97 ટકાથી વધુ મૂર્તિઓનું આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી પર્યાવરણ-મિત્ર બન્યા હતા.
બીએમસીના જણાવ્યા અનુસાર આ વર્ષે બૃહન્મુંબઈ ક્ષેત્રમાં 1,97,382 ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી છ ફૂટની ઊંચાઈ સુધીની 1,92,237 પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાયું હતું.
પર્યાવરણ અનુકૂળ ગણેશોત્સવની અપીલ મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી અને તે અંગે જનજાગૃતિનું કાર્ય પણ કરાયું હતું. આ પહેલને પ્રોત્સાહન આપવા માટે મહાપાલિકા પ્રશાસન દ્વારા ગણેશોત્સવ અગાઉથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. મૂર્તિકારોને વિનામૂલ્ય 940 મેટ્રિક ટનથી વધુ શાડૂ માટી પૂરી પાડવામાં આવી હતી તો 25,400 લિટર નૈસર્ગિક રંગ આપવામાં આવ્યા હતા.
ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા વિવિધ સ્થળે 383 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરાઈ હતી. આ તળાવો સોસાયટી નજીકના ખાલી પ્લૉટ્સ, ઉદ્યાનો અને મેદાનમાં ગોઠવવામાં આવ્યાં હતાં. કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરાયેલી 1,92, 237 મૂર્તિઓમાં 1,22,391 પીઓપીની અને 69,846 શાડૂ માટીની મૂર્તિનો સમાવેશ થાય છે.
પાલિકા અનુસાર છ ફૂટથી ઊંચી 5,382 ગણેશ પ્રતિમાનું 67 નૈસર્ગિક જળાશયોમાં વિસર્જન કરાયું હતું, જેમાં 5,259 પીઓપીની અને 123 શાડૂ માટીની મૂર્તિનો સમાવેશ થાય છે.
ગણેશભક્તો પર્યાવરણ-મિત્રો બની રહ્યા હોવાથી વિસર્જન વખતે વિવિધ ચૌપાટીઓ પર લોકોની ભીડ ઓછી જણાઈ હતી, એવું બીએમસીનું કહેવું છે.