લાતુર: લાતુરમાં સાત વર્ષ અગાઉ ખેતરના રસ્તાને મુદ્દે થયેલા વિવાદ દરમિયાન બે વ્યક્તિની હત્યા કરવા અને અન્ય ચાર જણ પર હુમલો કરી તેમને ઘાયલ કરવા બદલ કોર્ટે પાંચ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. નિલંગાના એડિશનલ સેશન્સ જજ એસ.બી. પવારે 29 સપ્ટેમ્બરે આ ચુકાદો સંભળાવ્યો હતો.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર શિરુર અનંતપાલ પોલીસ સ્ટેશનની હદમાં ડાંગેવાડી ખાતે 3 ઑક્ટોબર, 2019ના રોજ સુભાષ દયાનંદ સુળે, દયાનંદ નામદેવ સુળે તથા અન્યો તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઇજાને કારણે દયાનંદ અને સુભાષનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) તથા 147, 148, 143, 149 અને 504 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પરમેશ્ર્વર બદમ દ્વારા કરવામાં આવી હતી અને સાક્ષીદારો તથા ઘાયલોનાં નિવેદનો, તબીબી પુરાવા, જપ્તીના રેકોર્ડને આધારે કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.
તપાસકર્તા પક્ષે ટ્રાયલ દરમિયાન 14 સાક્ષીદારને તપાસ્યા હતા. મેડિકલ ઓફિસર, પ્રત્યક્ષદર્શીઓ તથા ઘાયલ સાક્ષીદારોની જુબાનીને કોર્ટે મુખ્ય પુરાવા તરીકે ધ્યાનમાં લીધી હતી.
કોર્ટે દોષી ઠેરવેલા પાંચ આરોપીમાં જ્ઞાનોબા અંગદ ઓનમે, જગન્નાથ વિશ્ર્વંભર ઓનમે, રાજકુમાર વિશ્ર્વંભર ઓનમે, રામ બાબુરાવ ઓનમે અને ભગત બાબુરામ ઓનમેનો સમાવેશ છે. આરોપીઓ શિરુર અનંતપાલ તાલુકાના ડાંગેવાડીના રહેવાસી છે. કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ દંડની રકમ ન ભરે તો તેમને વધારાના છ મહિના જેલ ભોગવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
(પીટીઆઇ)