Sat Oct 03 2026

Logo

ભૂખ હડતાળનો ત્રીજો દિવસ: પ્રોફેસર દુલ્લા, ડિરેક્ટર કેદારેની ધરપકડની માગ પર સાહિલ વાકોડેનાં માતા-પિતા મક્કમ

2026-09-30 18:43:09
Author: Yogesh D. Patel
ભૂખ હડતાળનો ત્રીજો દિવસ: પ્રોફેસર દુલ્લા, ડિરેક્ટર કેદારેની ધરપકડની માગ પર સાહિલ વાકોડેનાં માતા-પિતા મક્કમ

મુંબઈ: હોસ્ટેલની રૂમમાં આત્મહત્યા કરનારા આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેનાં માતા-પિતા ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા અને ડિરેક્ટર શિરીષ કેદારેની ધરપકડ કરવાની તેમની માગણી પર મક્કમ રહ્યા છે. ‘ન્યાય’ માટેની તેમની ભૂખ હડતાળનો બુધવારે ત્રીજો દિવસ હતો. 

દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલા આંદોલનમાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન અને મુંબઈ યુવા કૉંગ્રેસના કેટલાક કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે સાહિલ માટે ન્યાયની માગણી સાથે તેના ફોટા હાથમાં પકડી રાખ્યા હતા.

સાહિલના પિતા રવીન્દ્ર વાકોડેએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પણ તેમના વકીલે કહ્યું હતું કે તેમની માગણી અંગે સરકાર તરફથી હજી સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેમાં બીજા વર્ષની બીટૅકનો વિદ્યાર્થી સાહિલ 18 સપ્ટેમ્બરે સાંજે હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પરીક્ષામાં મોબાઇલનો ઉપયોગ કરતા પકડાયા બાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું.

સાહિલનાં માતા-પિતાએ દાવો કર્યો હતો કે ઇન્સ્ટિટ્યૂટમાં તેમના પુત્રની જાતિને લઇ સતામણી કરવામાં આવતી હતી. તેમણે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા અને આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર શિરીષ કેદારેની ધરપકડની માગણી કરી હતી. તેમણે કહ્યું છે કે તેમના પુત્રને ન્યાય નહીં મળે અને જવાબદાર લોકોને સજા નથી થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રાખશે.

(પીટીઆઇ)