અમદાવાદ : પીએમ મોદીએ અમદાવાદમાં યોજાઈ રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા જણાવ્યું કે અમદાવાદની ધરતી પરથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. તેમણે વિશ્વના વિવિધ દેશોમાંથી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલા તમામ ખેલાડીઓનું ભારતની ધરતી પર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ આરોગ્ય અને સુખાકારીનો ડબલ ડોઝ
તેમણે જણાવ્યું કે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ શહેર આ ઐતિહાસિક આયોજનનું યજમાન બન્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે અને તે પહેલાં યોજાતી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ આરોગ્ય અને સુખાકારીનો "ડબલ ડોઝ" સમાન છે.
190 દેશોનું સમર્થન મળ્યું હતું
એક દાયકા પહેલાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને 190 દેશોનું સમર્થન મળ્યું હતું. આજે કરોડો લોકો યોગ, ધ્યાન અને પ્રાણાયામને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી રહ્યા છે, તે આનંદની બાબત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ સ્પર્ધા યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે
વડાપ્રધાનએ કહ્યું કે દરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશ કરે છે અને વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ એ જ નવા તબક્કાની શરૂઆત છે. આ સ્પર્ધા યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં યોગાસન ઓલિમ્પિક્સ સહિતના આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં પણ પોતાનું સ્થાન બનાવી શકશે અને અમદાવાદમાં યોજાતી આ પ્રથમ ચેમ્પિયનશિપ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે જણાવ્યું કે દરેક મોટા રમતગમત ક્ષેત્ર સાથે વિશાળ ઇકોસિસ્ટમ વિકસે છે, જે રોજગારી અને કારકિર્દીની નવી તકોનું સર્જન કરે છે. યોગાસન સ્પોર્ટ્સના વિસ્તરણ સાથે ખેલાડીઓ, ટ્રેનર્સ, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ્સ, સંશોધકો અને ઇવેન્ટ મેનેજર્સ માટે પણ નવી સંભાવનાઓ ઊભી થશે.
દરરોજ યોગ, ભગાડશે બધા રોગ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "યોગા ફોર હેલ્ધી એજિંગ" હોવાનું જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આજના સમયમાં લોકો લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રહેવાના સરળ ઉપાયો શોધી રહ્યા છે, જેમાં યોગ સૌથી યોગ્ય વિકલ્પ છે. યોગ ભોગ અને રોગ બંનેમાંથી મુક્તિ અપાવે છે અને ઓછા ખર્ચે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે "દરરોજ યોગ, ભગાડશે બધા રોગ"નો મંત્ર પણ આપ્યો હતો.
78 જેટલા દેશોના 500 થી વધુ રમતવીરો
ભારત સરકારના રમતગમત મંત્રાલય અને આયુષ મંત્રાલયના સહયોગથી પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક રમત ગમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા અને ઉઝબેકિસ્તાન સહિત 78 જેટલા દેશોના 500 થી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારત તરફથી પણ 10 થી 55 વર્ષની વિવિધ વયજૂથની 6 કેટેગરીમાં કુલ 122 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે