Sat Aug 29 2026

Logo

વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમારને શા માટે સાવ જાકારો આપી દેવાયો? ચીફ સિલેક્ટર આગરકર કહે છે...

2026-06-06 18:47:15
Author: Ajay Motiwala
વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમારને શા માટે સાવ જાકારો આપી દેવાયો? ચીફ સિલેક્ટર આગરકર કહે છે...

BCCI


મુંબઈઃ હજી ત્રણ મહિના પહેલાં ભારતે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો, પણ અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીએ મોટો નિર્ણય લીધો છે જેમાં સૂર્યકુમાર પાસેથી ટી-20 ટીમની કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી છે અને આયરલૅન્ડ તથા ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ ઉપરાંત ત્યાર પછીની એશિયન ગેમ્સની ટી-20 ટીમમાં પણ સૂર્યકુમારનો સમાવેશ નથી કર્યો જે માટે ખુદ આગરકરે કેટલાક કારણો આપ્યા છે.

સૂર્યકુમાર પાસેથી ટી-20 ટીમની કૅપ્ટન્સી પાછી લેવામાં આવી છે અને શ્રેયસ ઐયરને એ જવાબદારી સોંપવામાં આવી છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક આપવામાં આવી છે. સિલેક્ટરોએ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટે તેમ જ એશિયન ગેમ્સ માટેની ટી-20 ટીમ જાહેર કરી છે.

બીસીસીઆઇએ (આગરકરે) ટી-20 ટીમના નેતૃત્વમાં પરિવર્તન કરવા પાછળના વ્યૂહાત્મક નિર્ણયની સમજ મીડિયાને આપી છે. ખાસ કરીને તો સૂર્યકુમારને ભવિષ્યના પ્લાનિંગને તેમ જ તેના નબળા ફૉર્મને લીધે પડતો મૂકવામાં આવ્યો હોવાનું કહ્યું છે. જોકે શ્રેયસ ઐયર છેલ્લે ડિસેમ્બર, 2023માં ભારત વતી ટી-20 રમ્યો હતો અને અઢી વર્ષે કૅપ્ટન્સી સાથે ટીમમાં પાછો ફર્યો છે.

સૂર્યકુમારનો તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં બૅટ્સમૅન તરીકે પર્ફોર્મન્સ સારો નહોતો. તાજેતરની આઇપીએલમાં સૂર્યાએ 147.54ના સ્ટ્રાઇક-રેટથી ફક્ત 270 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસે પંજાબની કૅપ્ટન્સી સંભાળવના સાથોસાથ 168.81ના સ્ટ્રાઇક-રેટથી કુલ 498 રન બનાવ્યા હતા.

આગરકરે સૂર્યાની બાદબાકી, શ્રેયસના સિલેક્શન વિશે પત્રકારોને શું કહ્યું?

(1) અમે ખાસ કરીને ટીમ માટેની ભવિષ્યની યોજના અને બૅટિંગના વ્યક્તિગત ફૉર્મને ખાસ ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા છે.
(2) સૂર્યકુમારના નેતૃત્વમાં તાજેતરમાં જ ભારત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું એટલે તેના (સૂર્યા) વિશેનો નિર્ણય અમારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયો હતો. અમે સૌથી મુશ્કેલ નિર્ણય હંમેશાં ટીમના હિતમાં જ લઈએ છીએ.
(3) જોકે દરેક વર્લ્ડ કપ પછી સ્થિતિનું મૂલ્યાંકન થતા જ હોય છે અને ભાવિ ટીમ માટે શું શ્રેષ્ઠ છે એ નક્કી કરવામાં આવતું જ હોય છે.
(4) સૂર્યાનું નબળું બૅટિંગ-ફૉર્મ આ નિર્ણય માટે કારણરૂપ છે જ, આવતા બે વર્ષ માટે (2028ના ટી-20 વર્લ્ડ કપ માટે) પણ વિચારવામાં આવ્યું છે. અમને કૅપ્ટન્સી અત્યારથી જ બદલવાનું સૌથી યોગ્ય લાગ્યું હતું. (આઇપીએલમાં) કેટલીક ટીમો (કોલકાતા અને પંજાબ)ની કૅપ્ટન્સી સફળતાપૂર્વક સંભાળવાની શ્રેયસની કાબેલિયતથી અમે પ્રભાવિત થયા છીએ. અમને નવી કૅપ્ટન્સી માટે તે જ સર્વશ્રેષ્ઠ લાગ્યો હતો. કૅપ્ટન કેવી પરિસ્થિતિનો સામનો કરીને સુકાનને સફળતાથી સંભાળી લેતો હોય એ વિશેની બધી બાબતો અમે તેનામાં જોઈ અને તેને નવો ટી-20 કૅપ્ટન બનાવ્યો છે. 
(5) અમે સૂર્યાના છેલ્લા બે વર્ષના નબળા બૅટિંગ-ફૉર્મને ધ્યાનમાં લઈને તેને ડ્રૉપ કરવાનો નિર્ણય લીધો છે. અમે ખૂબ ચર્ચા કરી અને પછી જ નિર્ણય પર આવ્યા હતા.