ન્યૂ ચંદીગઢઃ મહારાજા યાદવિંદ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર માનવ સુથારે ડેબ્યૂ કર્યું છે. તે રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પાસેઆવેલા શહેર શ્રીગંગાનગરનો રહેવાસી છે. માનવ માત્ર સ્પિનર જ નથી તે નીચલા ક્રમે બેટિંગ પણ કરી શકે છે. આ કારણે તેણી ગણના બૉલિંગ ઑલરાઉન્ડરમાં થાય છે.
ભારત અને અફઘાનિસ્તાન બંનેની વર્ષ 2026ની પ્રથમ ટેસ્ટ મેચ છે. આ મુકાબલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો હિસ્સો નથી. આ સ્થિતિમાં ભારતનો આ મુકાબલો ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસની તૈયારી તરીકે જોવામાં આવે છે.
ભારતની પ્લેઈંગ 11: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, ઋષભ પંત, વૉશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
The smile says it all
— BCCI (@BCCI) June 6, 2026
Congratulations to debutant Manav Suthar as he receives his #TeamIndia Test cap from Kuldeep Yadav
Updates https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/YRa3nUnYIY
કોણ છે માનવ સુથાર
રાજસ્થાનના શ્રીગંગાનગરનો રહેવાસી 23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથારને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં મોકો મળ્યો છે. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા માનવે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 2023 વર્લ્ડ કપ પહેલા ભારતીય કેમ્પમાં તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પ્રભાવિત કર્યા હતા. હવે તેને ભવિષ્યમાં ટેસ્ટ સ્પેશલિસ્ટ સ્પિનર તરીકે જોવામાં આવે છે.
રવીન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યા બાદ પસંદગીકર્તાઓ માનવ પર ભરોસો મુક્યો છે. માનવ સુથાર હાલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે પરંતુ તેની ક્રિકેટ સફર રાજસ્થાનના શ્રીગંગાનગરથી શરૂ થઈ હતી. પાકિસ્તાન બોર્ડરથી આશરે 5 કિમી દૂર આવેલા શહેરમાંથી નીકળીને ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાની સફળ સરળ નહોતી. તેના પિતા જગદીશ સુથાર સ્કૂલમાં પીટી ટીચર છે અને ખુદ પણ સ્કૂલ લેવલનું ક્રિકેટ રમી ચુક્યા છે.
માનવ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે તેને ક્રિકેટ એકેડમી મોકલવામાં આવ્યો હતો. પિતા તેમનો પુત્ર બેટ્સમેન બને તેમ ઈચ્છતા હતા પરંતુ કોચ ધીરજ શર્માએ પ્રથમ દિવસે તેની બોલિંગ જોઈને જ કહ્યું હતું કે આ છોકરો બોલિંગ માટે જન્મયો છે. આજે તેના કોચના શબ્દો સાચા પડ્યા અને તેને ભારતીય ટેસ્ટ ટીમમાં પ્લેઈંગ 11માં સમાવેશ કરાયો છે.
માનવની બૉલિંગની સૌથી મોટી ખાસિયત તેની ક્લાસિકલ લેફ્ટ આર્મ સ્પિન છે. તે ફ્લેટ બોલિંગ નથી કરતો, પરંતુ હવામાં ડ્રિફ્ટ અને સાચા રિલીઝ પોઈન્ટથી બેટ્સમેનોને સતત મૂંઝવણમાં રાખે છે. ડોટ બોલ નાખવાની તેની ક્ષમતા તેને બાકીના યુવા સ્પિનરોથી અલગ પાડે છે.
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા A સામેની ઈન્ડિયા A મેચમાં તેણે 5 વિકેટ ઝડપીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ જ પ્રદર્શન હવે તેને ભારતીય ટેસ્ટ ટીમ સુધી લઈ આવ્યું છે.
સ્થાનિક ક્રિકેટમાં માનવનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે, તેણે 29 મેચની 52 ઇનિંગ્સમાં 129 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રન આપીને 8 વિકેટ લેવાનું રહ્યું છે, જ્યારે તે એક મેચમાં 11 વિકેટ લેવાનો કારનામો પણ કરી ચૂક્યો છે. તેની બોલિંગ એવરેજ લગભગ 25ની છે, જે કોઈપણ યુવા સ્પિનર માટે શાનદાર માનવામાં આવે છે. માત્ર બોલથી જ નહીં, બેટથી પણ માનવે દમ બતાવ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 945 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને કેટલીક મહત્વની ઇનિંગ્સ સામેલ છે. તેનો હાઈ સ્કોર 120 રન રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે લોઅર ઓર્ડરમાં તે ટીમ માટે ઉપયોગી બેટ્સમેન સાબિત થઈ શકે છે. લિસ્ટ-A ક્રિકેટમાં પણ માનવનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. તેણે 25 મેચમાં 34 વિકેટ લીધી છે અને 35 રન બનાવ્યા છે, જ્યારે T20 ક્રિકેટમાં તેના નામે 25 વિકેટ નોંધાયેલી છે. રન ગતિ રોકવાની અને વચ્ચેની ઓવરોમાં વિકેટ ઝડપવાની તેની ક્ષમતા તેને ખાસ બનાવે છે.