(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અંદાજે 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો માટે આ મહિનો આર્થિક સંકટની કાળી ડિબાંગ આફત લઈને આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના માસિક પગારમાં થઈ રહેલો વિલંબ હાલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને આક્રોશનો વિષય બન્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા આ ગુરુજીઓનું પોતાનું ઘરનું બજેટ વર્તમાન મોંઘવારીના દોરમાં સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગુજરાત રાજ્યમાં દરેક વિભાગના સરકારી કર્મચારીઓનો પગાર મહિલાની પહેલી તારીખે થઈ જતો હોય છે, તો પછી શિક્ષકોના પગારમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?
63,184 કરોડનું બજેટ જાહેર થયું પરંતુ વાસ્તવિકતા શું છે?
તાજેતરમાં જ યોજાયેલા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે રૂપિયા 63,184 કરોડનું રૅકોર્ડબ્રેક બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. 'મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ' જેવી સરકારી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવાની જાહેરાતો તો થઈ, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિકતા સાવ વિપરીત છે. શિક્ષણ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન શિક્ષકોને જ સમયસર વેતન મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. શિક્ષકો સાથે આવો ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે?
જવાબદારીઓ વધારી દેવામાં તો પછી પગારમાં વિલંબ કેમ?
એક શિક્ષકે કહ્યું કે, શિક્ષકોને શિક્ષણ સાથે સાથે અન્ય પણ અનેક પ્રકારની જવાબદારીઓ આપવામાં આવતી હોય છે. અત્યારે પણ શિક્ષકોને વસ્તીગણતરીની જવાબદારી આપવામાં આવી છે, જવાબદારીઓ વધી રહી છે પરંતુ જ્યારે વેતનની વાત આવે છે ત્યારે વિંલંબ કરવામાં આવે છે તેના કારણે તેમનું બજેટ ખોરવાઈ જાય છે. પગાર સમયસર ન થવાને કારણે શિક્ષકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
પગારમાં વિલંબ થતાં બજેટ ખોરવાઈ જાય છે
ખાસ કરીને વાત કરવામાં આવે તો, પગારમાં વિલંબ થવાના કારણે આ શિક્ષકો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ સમયસર ભરી શકાયા નથી. બેંક એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે અને પેનલ્ટીનો મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ સાથે સિબિલ સ્કોર ખરાબ થવાની ભીતિ વચ્ચે શિક્ષકોના પરિવારો ભારે માનસિક તાણ અનુભવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, આવું દરેક મહિને થાય છે. કોઈક મહિનામાં 4 તારીખે, કોઈક વારે 6 તારીખે અને કેટલીક વખત તો છેક 15 તારીખે પગાર થતો હોય છે.
માત્ર શિક્ષકો સાથે જ આવો સાવકો વ્યવહાર કેમ?
શિક્ષકોને માત્ર ભણાવવાનું જ નહીં, પરંતુ ડિજિટલ ડેટા એન્ટ્રી, વિવિધ સરકારી સર્વે, મધ્યાહ્ન ભોજન અને ચૂંટણીલક્ષી અસંખ્ય બિન-શૈક્ષણિક કામોની જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ અતિશય વર્કલોડ વચ્ચે જ્યારે અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓના પગાર દર મહિનાની પહેલી તારીખે થઈ જાય છે, ત્યારે માત્ર શિક્ષકો સાથે જ આવો સાવકો વ્યવહાર કેમ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. કામના ભારણ અને આર્થિક તંગીની બેવડી મારના કારણે શિક્ષકોમાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો છે, જેની સીધી નકારાત્મક અસર શિક્ષણની ગુણવત્તા પર પડી શકે છે.