ઇરાનના ફૂટબોલરોના વિઝા મંજૂર કર્યા પછી અમેરિકી અધિકારીઓએ `આતંકવાદી' શબ્દ વાપર્યો!
લૉસ ઍન્જલસઃ 11મી જૂને અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે જે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ રમાવાનો છે એમાં ઇરાનની ટીમ પણ રમવાની છે અને એ માટે ઇરાનના ફૂટબૉલ ખેલાડીઓએ અમેરિકા પાસે વિઝા (Visa) માગ્યા હતા જે તેમને છેવટે મળી ગયા છે. યુદ્ધ ચાલી રહ્યું હોય અને એમાં સામેલ બે દેશમાંથી એક દેશે પોતાના ખેલાડીઓ માટે વિઝા માગ્યા હોય અને બીજા દેશે એ મંજૂર કર્યા હોય એવું આ વિશ્વ કપના ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું છે.
અમેરિકા (USA) અને ઇરાન (IRAN) વચ્ચે બે મહિનાથી યુદ્ધ ચાલે છે. ઇરાને પોતાની મૅચો અમેરિકાને બદલે મેક્સિકોમાં રાખવા માગણી કરી હતી, પણ મહિનાઓ પહેલાંથી સમયપત્રક બની ગયું હોવાથી અને એને લગતી તમામ ટીમો માટેની ટ્રાવેલિંગ, હૉટેલ વગેરે બધી જ વ્યવસ્થા થઈ ચૂકી હોવાથી ઇરાનની માગણી આયોજક ફિફા દ્વારા નકારવામાં આવી હતી. જોકે ઇરાને ખેલાડીઓની પ્રૅક્ટિસ માટેનો કૅમ્પ અમેરિકાને બદલે મેક્સિકોમાં રાખ્યો છે.
વિશ્વ કપમાં ઇરાનની પ્રથમ મૅચ 15મી જૂને લૉસ ઍન્જલસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાવાની છે અને એ મૅચના બરાબર 10 દિવસ પહેલાં ઇરાનના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફની વિઝાને લગતી મૂંઝવણ દૂર થઈ ગઈ છે. ભારતીય સમય અનુસાર ઇરાન-ન્યૂ ઝીલૅન્ડની મૅચ 16મી જૂને સવારે 6.30 વાગ્યાથી રમાશે. ઇરાનવાળા ગ્રૂપમાં બેલ્જિયમ અને ઇજિપ્ત પણ સામેલ છે.
જોકે અમેરિકાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે `વર્લ્ડ કપમાં રમવા સંબંધમાં ઇરાનના ફૂટબૉલ ખેલાડીઓને અને તેમના સપોર્ટ સ્ટાફને જરૂરી વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે ઇરાનના ખેલાડીઓ કે તેમનો સપોર્ટ સ્ટાફ કોઈ પણ પ્રકારની બનાવટ કરીને આતંકવાદીઓને અમેરિકામાં ઘૂસાડીને અમેરિકાની સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો એ જરાય નહીં ચલાવી લઈએ.'